બહાર મેઘરાજા રિમઝિમ વરસતા હોય, અને આપના હાથમાં ગરમા ગરમ કટલેસ હોય તો.. કલ્પના માત્રથી જ આવી ગયુંને આપના મ્હોમાં પાણી.. આપના મ્હોમાં આવેલા આ પાણીને જરૂર તૃપ્ત કરીશું, એ પણ ગરમા ગરમ કટલેટ બનાવીને.
આજે આપણે વેજ કટલેટસ બનાવવાની રીત શીખીશું. આ વેજ કટલેટને તમે નાસ્તામાં પણ આરોગી શકશો કે પછી બાળકોને શાળા માટે ટિફિનમાં પણ આપી શકશો, તો ચાલો જાણીએ વેજ કટલેટ બનાવવા માટેની સામગ્રી..
વેજ કટલેટસ બનાવવા જરુરી સામગ્રી-
- બાફેલા બટાકા 4-5
- કોબીઝ છીણેલી 1કપ
- ગાજર છીણેલું 1કપ
- ઝીણી સુઘારેલી ડુંગળી 1/2 કપ
- મરચાની પેસ્ટ 1-2 ચમચી
- લીલા ધાણા સુઘારેલા 3-4 ચમચી
- જીરું1/4 ચમચી
- અજમો 1/4
- લીંબુનો રસ 1-2 ચમચી
- મરી પાઉડર1/4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- કોર્ન ફ્લોર, મેંદાનો લોટ 2-3 ચમચી
- બ્રેડ ક્રમ/સોજી જરુર મુજબ
- તળવા માટે તેલ
રીત-
વેજ કટલેટ બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં છીણેલું ગાજર, કોબીઝ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી એમાં અડધી ચમચી મીઠું નાખી મિક્સ કરી દસ મિનિટ એક બાજું મૂકો દસ મિનિટ પછી હાથ વડે દબાવીને તેમાંથી બઘું પાણી નિતારી નાખો.
બીજા વાસણમાં બાફેલા બટાકાને છીણી લ્યો ત્યાર બાદ એમાં મરચાની પેસ્ટ, લીંબુનો રસ, અજમો, જીરું ને સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુઘારેલા અને નીચોવી પાનકોબી, ગાજરને ડુંગળી નાખો. ત્યાર બાદ તેમાં બ્રેડ ક્રમ અથવા મેંદનો લોટ અથવા કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હાથમાં તેલ લગાવીને જે સાઇઝની કટલેટ બનાવવી હોય, એ સાઇઝના બોલ બનાવીને તેને બ્રેડ ક્રમ કે પછી સોજી વાળી થાળીમાં નાખતા જાઓ.
હવે બોલને સોજી કે બ્રેડ ક્રમમાં હળવેથી રગદોળી કોટિંગ કરી લેવું. ત્યાર બાદ દબાવીને કટલેટનો આકાર આપો. ફરી બ્રેડ ક્રમ કે સોજીમાં કોટિંગ કરી લો આમ બધી કટલેટ તૈયાર કરી લો.
હવે ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં સમાય એટલી કટલેટ નાખો. આ કટલેટને ત્યાં સુધી તળો જ્યાં સુધી તે ગોલ્ડન ના થઇ જાય. ગોલ્ડન થઈ ગયા પછી કટલેટને કાઢી લો અને એમાં બાકી રહેલી કટલેટ ઉમેરો આમ બઘી કટલેટ તળીને તૈયાર કરી નાખો. (આપ કટલેટને શેકીને પણ તૈયાર કરી શકો છો)
હવે આપની ટેસ્ટી મજેદાર અને સ્વાદીસ્ટ વેજ કટલેટ તૈયાર છે, જેને સોસ કે આંબલીની ચટણી કે લીલી ચટણી સાથે ફટાફટ આરોગી લો.