કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ખાલિસ્તાની સમર્થકોના પ્રદર્શન પર ભારત સરકારે નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનરને બોલાવ્યા હતા. વિદેશ મંત્રાલયે પૂછ્યું – જો ત્યાં પોલીસ સુરક્ષા હતી તો વિરોધીઓ મિશન બિલ્ડિંગ સુધી કેવી રીતે પહોંચ્યા? ભારતને આ બેદરકારી સામે સખત વાંધો ઉઠાવ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારત સરકારે કેનેડા પાસેથી જવાબ માંગ્યો છે. અમે પૂછ્યું છે કે પોલીસની હાજરી છતાં ખાલિસ્તાની સમર્થકો અમારા રાજદ્વારી મિશન અને કોન્સ્યુલેટ સુધી કેવી રીતે પહોંચ્યા? અમે આશા રાખીએ છીએ કે કેનેડા સરકાર અમારા રાજદ્વારીઓ અને મિશનની સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે.
ભારતે કેનેડાને વિયેના સંમેલનની અપાવી યાદ
બાગચીએ કહ્યું વધુમાં જણાવ્યું કે અમે કેનેડા સરકારને વિયેના કન્વેન્શન હેઠળ તેમની જવાબદારીઓ યાદ અપાવી છે. અમે તેમને એવી વ્યક્તિઓની ધરપકડ કરવા અને તેમની સામે કાર્યવાહી કરવા કહ્યું છે જેઓ આવી પ્રવૃત્તિઓમાં પહેલેથી જ સામેલ છે. અમને એવી અપેક્ષા છે કે કેનેડા સરકાર તેની જવાબદારી નિભાવશે.
19 માર્ચે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો રદ
હકીકતમાં 19 માર્ચે ખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં ભારતીય મિશનની બહાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ભારતીય હાઈ કમિશને તેની એક ઈવેન્ટ કેન્સલ કરવી પડી હતી. કેનેડામાં ભારતીય રાજદૂત સંજયકુમાર વર્માના સન્માન માટે સરેના તાજ પાર્ક કન્વેન્શન સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારતીય મૂળના પત્રકાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
વોશિંગ્ટનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકાર સાથે ગેરવર્તણૂક
બીજી તરફ શનિવારે પણ વોશિંગ્ટનમાં ખાલિસ્તાની સમર્થકોના પ્રદર્શનને કવર કરી રહેલા ભારતીય પત્રકાર લલિત ઝા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. ઝાએ ટ્વિટર પર સમગ્ર ઘટનાનો વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં ખાલિસ્તાની સમર્થકો ભારત સરકારને અપશબ્દો બોલતા જોવા મળે છે. ઝાએ જણાવ્યું કે ખાલિસ્તાન સમર્થકોએ તેમના ડાબા કાન પર બે લાકડીઓ પણ મારી હતી.