26મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસની પરેડમાં મહિલાશક્તિ અને શોર્યનો અદભૂત પ્રદર્શન જોવા મળશે. આ વખતે મહિલા શક્તિ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. પહેલીવાર દિલ્હી પોલીસની મહિલા જવાન, સેનાની મહિલા અધિકારીઓ અને આરોગ્ય સેવા સાથે જોડાયેલા ડોક્ટર, મહિલા કર્મચારીઓ પરેડ કરતા જોવા મળશે. આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પહેલીવાર 1500 મહિલાઓ, લોકનૃત્ય કલાકાર પોતાની નૃત્યકળા લોકો સમક્ષ રજૂ કરશે. સૌથી ખાસ વાત તો એ છે કે આ વખતે BSF, CISF અને અન્ય અર્ધસૈનિકદળની મહિલા જવાનોના કરતબો સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેશે.
આ વખતની પરેડનું નેતૃત્વ સંરક્ષણ મંત્રાલય નહીં પરંતુ શંખ, નગારા, ડમરુ જેવા પ્રાચિન સંગીત સાધનોને લઈને 100 મહિલાઓ કરશે. દેશના અલગ અલગ ભાગોમાંથી 1500થી વધારે નૃત્યાંગનાનું એક દળ હશે. આ નારીશક્તિ દરેકને દેશની વિવિધતાનો પરિચય આપશે.
પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી માટે ખૂબ જ ખાસ સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ વખતે ખૂબ ચોકસાઈ રાખવામાં આવી રહી છે. મંગળવારે કડક સુરક્ષા વચ્ચે કર્તવ્યપથથી લાલકિલ્લા સુધી સંપૂર્ણ ડ્રેસ રિહર્સલ કરી રહેલા જવાનો પ્રજાસત્તાક દિવસ ની તૈયારી કરતા જોવા મળ્યા હતા. આ વિશેષ કાર્યક્રમોને લઈને દિલ્હીમાં 23 થી 31 જાન્યુઆરીના દિવસોમાં લોકોને મુશ્કેલી ના પડે માટે ટ્રાફિક એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
આ વખતે પણ અખિલ ભારતીય સ્તરની ‘ફૂડ કોર્ટ’, ક્રાફ્ટ માર્કેટ, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના પેવેલિયન પ્રદર્શિત કરવામાં આવશે. ભારત પર્વનું ઉદઘાટન મંગળવારે થશે અને તે 31 જાન્યુઆરી સુધી સામાન્ય લોકો માટે ખુલ્લું રહેશે. ભૂતકાળના અનુભવોના આધારે એવો અંદાજ છે કે આ કાર્યક્રમમાં દરરોજ બપોરે 12 થી 10 દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવશે. ભારત પર્વ દરમિયાન દર વખતે લોકોની ભારે ભીડ જોવા મળે છે, આ વખતે પણ તૈયારીઓમાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.
આ પણ વાંચો: ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ ભવિષ્યને સ્વીકારે છે