આજે દેશભરમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો. દેશની રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર Republic Day ની ઉજવણીની પરેડમાં ઘણી નવી વસ્તુઓ જોવા મળી. આ વખતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મહિલા કેન્દ્રિત હતી અને થીમ હતી ભારતની લોકશાહી અને વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ.
પ્રજાસત્તાક દિવસ પર સેનાની તાકાત જોવા મળી. સમગ્ર દુનિયા કર્તવ્ય પથ પરથી ભારતની તાકાત જોઈ રહી હતી. કર્તવ્ય પથ પર લોકોનો જોશ હાઈ હતો. દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સેનાની સલામી લીધી. ત્યારબાદ બધા ટેબ્લો જોયા. Republic Day ના કાર્યક્રમના મુખ્ય મહેમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વડાપ્રધાન મોદીની સાથે કર્તવ્ય પથ પર હાજર રહ્યા હતા. પરેડમાં ભાગ લેવા માટે ફ્રેન્ચ માર્ચિંગ ટુકડી અને બેન્ડ ટુકડી પણ ભારત આવી. તેમાં 6 ભારતીય પણ સામેલ હતા.
કર્તવ્ય પથ પર અગ્નિવીરો સહિત તમામ મહિલા ત્રિ-સેવા ટુકડીની તાકાત જોવા મળી. 75મો પ્રજાસત્તાક દિવસ ‘નારી શક્તિ’ અને ‘વિકસિત ભારત’ની થીમ પર કેન્દ્રીત છે. 20મી બટાલિયનના લેફ્ટનન્ટ સંયમ ચૌધરીના નેતૃત્વમાં રાજપૂતાના રાઈફલ્સે પ્રજાસત્તાક દિવસ પરેડમાં ‘રાજા રામ ચંદ્ર કી જય’ના યુદ્ધઘોષ સાથે કર્તવ્ય પથ પર માર્ચ કાઢી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ ઈમેન્યુઅલ મેક્રોનના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મૂએ સંતોષ વ્યક્ત કર્યો કે બંને પક્ષોએ ભારતના અમૃત કાલ માટે અમારી ભાગીદારીના મહત્વાકાંક્ષી વિઝનની રૂપરેખા આપી છે. આ મુલાકાતે આ વિઝનને સાકાર કરવાનો અમારો સંકલ્પ મજબૂત કર્યો છે.