સોમવારથી તમિલનાડુની રાજધાની ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં સતત અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. ‘CYCLONE MICHAUNG’ને કારણે તમિલનાડુમાં સ્થિતિ સંપૂર્ણપણે કાબૂ બહાર થઈ ગઈ છે. હવામાન વિભાગે ચાર રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જેમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓરિસ્સાનો સમાવેશ થાય છે. ભારે વરસાદના કારણે 5ના મોત થયા છે.
હવામાન વિભાગની આગાહી
ચક્રવાતી તોફાન ‘CYCLONE MICHAUNG’ આજે સવારે 8:30 વાગ્યે ચેન્નાઈથી લગભગ 90 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું હતું. હવામાન વિભાગે 4 અને 5 ડિસેમ્બરે ઉત્તર-તટીય તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. જ્યારે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે.

તમિલનાડુમાં જાહેર રજા
તમિલનાડુ સરકારે ચક્રવાતને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ અને તિરુવલ્લુર જિલ્લામાં મંગળવારે જાહેર રજા જાહેર કરી છે. આ સિવાય બેંક, નાણાકીય સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓ રાજ્યમાં પ્રતિકૂળ હવામાનને કારણે બંધ રહેશે.
આવશ્યક સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે
પોલીસ, ફાયર સર્વિસ, સ્થાનિક સંસ્થાઓ, દૂધ અને પાણી પુરવઠો, હોસ્પિટલો અને તબીબી દુકાનો, વીજ પુરવઠો, પરિવહન, ઇંધણના આઉટલેટ્સ, હોટલ અને રેસ્ટોરન્ટ વગેરે જેવી તમામ આવશ્યક સેવાઓ સામાન્ય રીતે કાર્ય કરશે. હવામાન વિભાગે તમિલનાડુમાં ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે. IMD એ ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.