સ્ટેન્ડઅપ કોમેડિયન Kunal Kamra વિરુદ્ધ સોમવારે FIR નોંધાયા બાદ પોલીસે તેની ફોન પર પૂછપરછ કરી હતી. કામરાએ કહ્યું- મને મારા પેરોડી ગીત પર કોઈ અફસોસ નથી. હું માફી માંગીશ નહીં. જો કોર્ટ પૂછે તો હું કરી શકું. મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી યોગેશ કદમે વિધાનસભામાં કહ્યું- કોમેડિયન કુણાલ કામરાના કોલ રેકોર્ડિંગ, સીડીઆર અને બેંક સ્ટેટમેન્ટની પણ તપાસ કરવામાં આવશે. આની પાછળ કોણ છે તે અમે શોધી કાઢીશું. અહીં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ટીમે યુનિકોન્ટિનેન્ટલ હોટલ પર કાર્યવાહી કરી હતી.
વાસ્તવમાં 23 માર્ચે કામરાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે એક પેરોડી ગીત ગાઈ રહ્યો છે. કુણાલે તેને ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના ગીતની ધૂન પર ગાયું હતું. શિવસેના (શિંદે)ના કાર્યકરોએ આ પેરોડીને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર વાંધાજનક ટિપ્પણી ગણાવી હતી અને રવિવારે રાત્રે યુનિકોન્ટિનેન્ટલ હોટેલમાં તોડફોડ કરી હતી. કુલ 40 શિવસૈનિકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો – UPI: 2 હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર દુકાનદારને રૂ. 3 મળશે
સોમવારે સવારે પોલીસે તોડફોડના આરોપમાં શિવસેનાના નેતા રાહુલ કનાલ સહિત 11 શિવસૈનિકોની ધરપકડ કરી હતી. જોકે, આ તમામને માત્ર 3 કલાક બાદ જ જામીન મળી ગયા હતા. શિવસૈનિકોનો દાવો છે કે કામરાનો વીડિયો આ હોટલમાં બનેલા સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવ્યો હતો.

શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી આ તોડફોડ બાદ કુણાલે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે હાથમાં બંધારણની કોપી પકડેલો છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘આ એકમાત્ર રસ્તો છે.’ આ વિવાદ પર મહારાષ્ટ્રના સીએમ Devendra Fadnavis નું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું, ‘સ્ટેન્ડ-અપ કોમેડી કરવાની સ્વતંત્રતા છે, પરંતુ કોઈ જે ઈચ્છે તે કહી શકતું નથી. ફડણવીસે કહ્યું- કુણાલ કામરાએ માફી માંગવી જોઈએ, આ સહન કરવામાં આવશે નહીં. કોમેડી કરવાનો અધિકાર છે, પરંતુ જો આપણા નાયબ મુખ્યમંત્રી Eknath Shinde ને બદનામ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું હોય તો તે યોગ્ય નથી.
અહીં, હોટેલે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ આ ક્લબને હાલ પૂરતું બંધ કરી રહ્યાં છે. અમે કલાકારોને પરફોર્મ કરવા માટે જગ્યા આપી છે. તેમના નિવેદનો માટે તેઓ પોતે જ જવાબદાર છે, પરંતુ દરેક વખતે આપણે જ નિશાન બનીએ છીએ.