વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓના સમૂહ BRICS ની 16મી સમિટ રશિયાના કઝાનમાં યોજાઈ હતી. તેમાં રશિયા, ચીન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા સહિત 28 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષે સમિટની અધ્યક્ષતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી હતી. અહીં બુધવારે પ્રધાનમંત્રી મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને નેતાઓએ સરહદ વિવાદનો શક્ય તેટલો જલ્દી ઉકેલ લાવવા, પરસ્પર સહયોગ અને પરસ્પર વિશ્વાસ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.
2020માં ગલવાન અથડામણ બાદ બંને નેતાઓની આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક હતી. 50 મિનિટની વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવી એ અમારી પ્રાથમિકતા હોવી જોઈએ. પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા આપણા સંબંધોનો પાયો રહેવો જોઈએ. મને વિશ્વાસ છે કે અમે ખુલ્લા મનથી વાત કરીશું અને અમારી ચર્ચા રચનાત્મક રહેશે.
આ પણ વાંચો: Bengaluru: 7 માળની ઇમારત ધરાશાયી, અનેકના મોત
યુરોપિયન યુનિયન (EU)ને પાછળ છોડીને BRICS વિશ્વનું ત્રીજું સૌથી શક્તિશાળી આર્થિક સંગઠન બની ગયું છે. વૈશ્વિક જીડીપીમાં EU દેશોનો કુલ હિસ્સો 14% છે, જ્યારે બ્રિક્સ દેશોનો હિસ્સો 27% છે.બ્રિક્સની પોતાની અલગ બેંક પણ છે, જે ન્યુ ડેવલપમેન્ટ બેંક તરીકે ઓળખાય છે. તેનું મુખ્ય મથક ચીનના શાંઘાઈમાં છે. તે સરકારી અથવા ખાનગી પ્રોજેક્ટ માટે સભ્ય દેશોને લોન આપે છે.
‘રાઇઝિંગ ઇકોનોમી’ના કોન્સેપ્ટ પર બનેલા આ જૂથમાં ગયા વર્ષ સુધી 5 દેશો બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકા સામેલ હતા. આ વર્ષે UAE, ઈરાન, ઈજીપ્ત અને ઈથોપિયા ઔપચારિક સભ્ય બનશે. ગયા વર્ષે 34 દેશો અને આ વર્ષે 40 દેશોએ સંગઠનમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.