રશિયાની રાજધાની Moscow માં આતંકી હુમલો કરવામાં આવ્યો છે. ક્રોકસ સિટી હોલમાં 05 બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો. આતંકી હુમલામાં 70 થી વધુ લોકો માર્યા ગયા. 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઇસ્લામિક સ્ટેટ (IS) એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા નિવેદનમાં મોસ્કોમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે.
રશિયન રોક બેન્ડ ‘પિકનિક’નો કોન્સર્ટ
પ્રખ્યાત રશિયન રોક બેન્ડ ‘પિકનિક’ના કોન્સર્ટમાં હાજરી આપવા માટે ક્રોકસ સિટી હોલમાં ભીડ એકઠી થઈ ત્યારે આ હુમલો થયો હતો. ક્રોકસ સિટી હોલમાં 6 હજારથી વધુ લોકો બેસી શકે છે. લડાકુના પોશાક પહેરેલા પાંચ માણસો કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને ગોળીબાર કર્યો. રશિયન મીડિયાના અહેવાલ અનુસાર 05 હુમલાખોરોમાંથી એકને પકડી લેવામાં આવ્યો છે. હોલમાં ગોળીબાર કર્યા બાદ ગ્રેનેડથી પણ હુમલો કરવામાં આવ્યો હતો.
રશિયન નેશનલ ગાર્ડ ઘટનાસ્થળે
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રશિયન નેશનલ ગાર્ડ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આતંકીઓ સામે લડવા માટે પોતાનું ઓપરેશન પણ શરૂ કરી દીધું હતું. 50 થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાંથી ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
મોસ્કોમાં જાહેર મેળાવડા પર પ્રતિબંધ
હાલમાં Moscow એરપોર્ટ બંધ છે. ટ્રેનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. મોસ્કોમાં જાહેર મેળાવડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રશિયાની ટોચની તપાસ એજન્સી આ વિસ્ફોટ અને ગોળીબારને આતંકવાદી હુમલા તરીકે તપાસ કરી રહી છે. તપાસ સમિતિએ કહ્યું કે તેણે આરોપીઓ સામે ગુનાહિત તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: IPL 2024 માટે કેપ્ટન તરીકે એમએસ ધોનીના સ્થાને રૂતુરાજ ગાયકવાડ પર CSKનું નિવેદન