કહેવાય છે કે એક સ્ત્રીનો શણગાર ત્યાં સુધી અધુરો હોય છે જ્યાં સુધી તેના કપાળે બિંદી ન લાગે.. પાવાગઢ મંદિરની પણ છેલ્લા 500 વર્ષથી આ જ સ્થિતિ હતી..ભક્તો દ્વારા મંદિરને સોળે શણગાર કરવામાં આવતો હતો પરંતુ તેના ગુંબજ પર લહેરાતી આ ધ્વજા નહોતી. માતાના સોળ શણગારમાં આ ધ્વજારૂપી બિંદી આખરે 500 વર્ષ બાદ લાગી છે. અનેક પીઢીઓ આવીને જતી રહી.. પરંતુ મંદિરનું ગુંબજ હંમેશા આ રાતી ધ્વજાને ઝંખતું રહ્યું. પરંતુ આ ખોટ છેક 500 વર્ષે પૂરી થઈ છે. કૃષ્ણ પંચમી, પાંચમ, વિક્રમ સંવત 2079ની આ તિથિ ઇતિહાસના પાનાંમાં સુવર્ણ અક્ષરે લખાઇ ગઇ છે. કેમકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરની આ ધ્વજા લહેરાવતાની સાથે જ ઝુલ્મી અને ઝેરીલા શાસક મહમૂદ બેગડાના એ કલંકને ભૂસી નાખ્યું છે.
કોણ હતો ઝેરીલો મહમૂદ બેગડા ?
મહમૂદ બેગડા 1511માં યૂરોપીયન દેશમાંથી ભારતમાં શાસન કરવાના ઇરાદા લઇને આવ્યો હતો. તેણે ગુજરાતના ચાંપાનેર, વડોદરા, જૂનાગઢ, કચ્છ પ્રદેશોમાં શાસન જમાવ્યું હતું. તે ખૂબ જ ક્રૂર અને આક્રમણકારી હતો. તે પોતાના ભોજનમાં રોજ ઝેર લેતો હતો. કહેવાય છે કે તે એટલો ઝેરીલો હતો કે જો માખી તેની પર બેસે તો તે મરી જતી. બેગડા રોજ જમવામાં 35 કિલો ભોજન આરોગતો. સવારના નાસ્તામાં 150 કેળા ખાઇ જતો. એટલો કટ્ટરપંથી હતો કે ઇસ્લામ કબૂલ ન કરનારાને મારી નાખતો હતો. બેગડાએ પોતાના શાસનમાં અનેક મંદિરો તોડાવ્યા હતા. તેમાં પાવાગઢ મંદિરનો પણ સમાવેશ થાય છે.

1540માં બેગડાએ પાવાગઢ પર હુમલો કર્યો હતો અને મંદિરના શિખરને ખંડિત કર્યું હતું. બેગડાએ શિખર તોડીને સદનશાહ પીરની દરગાહ બનાવી હતી. અને આ જ કારણે મંદિર પર ધ્વજા ચડાવવામાં નહોતી આવતી. જોકે 2017માં મંદિરની કાયાપલટ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. દરગાહને સહીસલામત અને સોહાર્દની ભાવના સાથે અન્ય સ્થળે ખસેડવામાં આવી.. સાડા ચાર વર્ષના સમય અને 125 કરોડ રૂપિયાના ખર્ચે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. અને મહાકાળી માતાને તેનું સન્માન પાછુ આપવામાં આવ્યું… જે પાવાગઢના પવિત્ર વાતાવરણમાં રાતા રંગે હવામાં લહેરાતું નજરે પડે છે.
મંદિર પર ધ્વજારોહણ બાદ પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સદિયો પછી પાવાગઢ મંદિરના શિખર પર ફરી એકવાર ધ્વજા ફરકી છે. આ શિખર ધ્વજ માત્ર આપણી આસ્થા અને આધ્યાત્મનું પ્રતિક નથી પરંતુ આ શિખર ધ્વજ એ વાતનું પણ પ્રતિક છે પીઢીઓ બદલાય છે, યુગોના યુગો આવે છેને જાય છે. પરંતુ આસ્થાનું શિખર હંમેશા શાશ્વત રહે છે.