ભાવનગરમાં કોળીયાકના સમુદ્ર કિનારે ઋષિ પાંચમનો પરંપરાગત રીતે ભાતીગળ મેળો ભરાયો. આજના આ પવિત્ર દિવસે લોકો કોળીયાકના દરિયામાં સ્નાન કરીને પોતાના પિતૃના મોક્ષાર્થે પૂજા કરી ધન્યતા અનુભવે છે. આ મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે કોઇ અનીચ્છનીય ઘટના ન બને તેના ભાગરુપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.
ઋષિ પાંચમના દિવસે ભાવનગરના કોળિયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં સ્નાનનું અતિ મહત્વ રહેલ છે. ત્યારે આ દિવસે દૂર દૂરથી ભાતીગળ મેળો માણવા અને પોતાના પિતૃના મોક્ષાર્થે પિતૃતર્પણ કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ઉમટી પડે છે. આ નિષ્કલંક મહાદેવનો ઈતિહાસ જોઈએ તો પાંડવો મહાભારતના યુધ્ધ બાદ ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા મુજબ કાળી ધજા લઈને નીકળી પડ્યા હતા, ભગવાન શ્રીકૃષ્ણએ તેમને કહેલું કે જે જગ્યાએ આ ધજા સફેદ બની જશે ત્યાં તમે શિવલીંગ સ્થાપિત કરી પૂજા કરજો, આથી તમારા તમામ પાપો દૂર થઇ જશે અને તમે બધા નિષ્કલંક થઇ જશો. ત્યાર પછી આ જગ્યા પર આવતા અહી ધજા સફેદ થઇ, જ્યાં પાંચેય પાંડવોએ એક એક કરી પાંચ શિવલિંગની સ્થાપના કરી. આથી આ મંદિરનું નામ નિષ્કલંક મહાદેવ પડ્યું. પહેલા આ જગ્યા દરિયાના કિનારે હોવાનું મનાતું હતું, પરંતુ હવે એક કિમી જેટલો દરિયો આગળ વધી જવાથી તે દરિયામાં આવી ગયું છે. દરિયાની ભરતીના પાણી ઉતર્યા પછી અહી દર્શન કરવા જઈ શકાય છે.
ઋષિ પાંચમની જો વાત કરીએ તો ઋષિઓએ આજના દિવસે ઉપવાસ કરીને આ દરિયા કિનારે આવી સ્નાન કરીને પોતાના પિતૃઓના મોક્ષાર્થે અહી પૂજા વિધિ કરાવી હતી. તેથી આ માન્યતા પ્રમાણે લોકો ઋષિ પંચમીના દિવસે હજારોની સંખ્યામાં અહી આવીને પોતાના પિતૃના મોક્ષ માટે ઋષિ પંચમી વ્રત કરે છે અને અહી બ્રાહ્મણ પાસે પૂજન વિધિ કરાવે છે. તેમજ દરિયાની અંદર આવેલ પાંચ શિવલિંગની પૂજા કરવામાં આવે છે અને ત્યાં રહેલ સ્તંભ ફરતા કાચા સુતરના દોરાની આંટી કરીને સ્તંભનું પૂજન કરાય છે. આ ઉપરાંત, આ દિવસે અહીં ભાતીગળ મેળો પણ ભરાય છે અને આ મેળો માણવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
વરસાદી વાતાવરણ હોવા છતાં પણ લોકો પોતાના પિતૃના મોક્ષાર્થે અહીં પૂજન વિધિ કરાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શ્રધ્ધાળુના ધસારાને પગલે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, તેમજ તરવૈયાની ટીમો અને મરીન પોલીસની બોટોને પણ તૈનાત કરી દેવામાં આવી હતી, જેથી કોઇ અનિચ્છનિય ઘટના ન બને.