સુરત લોકસભા બેઠક પર ‘કમળ’ ખીલી ગયું છે. ચૂંટણી પૂર્વે જ ભાજપના ઉમેદવાર Mukesh Dalal બિનહરીફ ચૂંટાયા છે. અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચતા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થતા ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવાર Mukesh Dalal બિનહરીફ સાંસદ બન્યા છે. આ સાથે ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભામાં ભાજપનો કોઈ ઉમેદવાર બિનહરીફ રીતે ચૂંટાઈને આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરાયા હતા અને ત્યાર બાદ મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
સુરત લોકસભા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા અંગે ભાજપના સાંસદ મુકેશ દલાલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, “આજે હું નિર્વિવાદ વિજેતા જાહેર થયો તેથી ગુજરાત અને દેશમાં પ્રથમ કમળ ખીલ્યું છે. મારામાં વિશ્વાસ દર્શાવવા માટે હું PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય ભાજપ અધ્યક્ષનો આભાર માનું છું. સંપૂર્ણ બહુમતી સરકારની રચના તરફ આ પહેલું પગલું છે.”
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સાંસદ મુકેશ દલાલને શુભકામનાઓ પાઠવી. તેમણે સોશિયલ મીડિયા X પર લખ્યું, “લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે.”
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ સોશિયલ મીડિયા X પર લખ્યું, “અમે સુરતની આ જીત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ.”
આ પણ વાંચો: BJP VS CONGRESS: સંકલ્પ પત્ર VS ન્યાય પત્ર