લાડ લડાવ્યા જે ભાષાએ જેણે કીધો મોટો
રગમાં વ્હેતી ભાષા ભૂલું માણસ તો તો ખોટો
અક્ષર ભાળું ગુજરાતી ત્યાં ઉર્મિઓ હરખાતી
હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી
કવિ રવજી ગાબાણીની જેમ દરેક ગુજરાતીને ગુજરાતી ભાષા પર તો ગર્વ છે જ.. જે ભાષાએ દેશને નર્મદ.. ઉમાશંકર જોશી, અખા, માણભટ્ટ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ જેવા કવિઓ અને સાહિત્યકારો આપ્યા એ ભાષાને આજનાં જીવનમાં પણ ધબકતી રાખવી.. દરેકની જીભ પર રમતી રાખવી એટલી જ જરૂરી છે.. એટલે 21 ફેબ્રુઆરીએ આવી રહેલાં વિશ્વ માતૃભાષા દિવસ પહેલાં ગુજરાત સરકારે ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા એક મહત્વનો નિર્ણય લીધો છે..
8 મહાનગરપાલિકાઓમાં સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત રહેશે.. 8 મહાનગરોનાં તમામ સરકારી કાર્યલયો, પરિસરો, જાહેર સ્થળોએ તમામ સૂચનાઓ, માહિતી, દિશા-નિર્દેશ ગુજરાતીમાં લખવા ફરજિયાત રહેશે. ખાનગી માલિકીનાં સિનેમાગૃહ, નાટ્યગૃહ, બેન્કવેટ હોલ, શાળા, કોલેજ, સુપર માર્કેટ, શોપિંગ મોલ્સ, હોસ્પિટલ, હોટેલ-રેસ્ટોરાં, કેફે, બેંક, વાંચનાલય, બગીચાઓ બધે જ અંગ્રેજી કે હિન્દીની સાથે ગુજરાતીમાં ફરજિયાત સૂચનાઓ, નામ, માહિતી વગેરે લખવાના રહેશે. ગુજરાત સરકારનાં રમતગમત અને સાંસ્કૃતિક વિભાગે આ ઠરાવ કર્યો છે.. મહારાષ્ટ્રની તર્જ પર ગુજરાતમાં પણ હવે પોતાની ભાષાનું મહત્વ સમજાવવા લેવાયેલા આ નિર્ણયને ગુજરાતનાં અગ્રણી સાહિત્યકારો, ભાષાવિદો આવકારી રહ્યાં છે.
કોઇપણ ભાષા ત્યારે જ ટકી શકે જ્યારે તેનો ઉપયોગ રોજ બોલચાલમાં અને લખવામાં થાય.. ગુજરાતને ભારતની 22 અધિકૃત ભાષાઓમાં સ્થાન મળેલું છે.. પણ તેમ છતાં ગુજરાતમાં જ ગુજરાતી ભાષાનો મૃત્યુઘંટ વાગી રહ્યો હોય તેવી સ્થિતિ છે..
માત્ર અમદાવાદમાં જ છેલ્લા 4 વર્ષમાં 48 ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થઇ ચૂકી છે. છેલ્લાં 5 વર્ષમાં અમદાવાદમાં ગુજરાતી શાળા બંધ કરવા માટે 90 ટકા અરજી આવી છે.
ગુજરાતમાં નવી પેઢી પોતાની ભાષાને ગર્વથી જુવે અને ભાષાને જીવંત રાખે તે માટે જરૂર છે ગુજરાતમાં દરેક સ્થળે ગુજરાતી આંખો સામે દેખાય.. વંચાય.. સંભળાય.. તેની.. તો જ આવનારી પેઢી ગર્વથી કહેશે ગુજરાતી મોરી મોરી રે..