Weather Update: ગુજરાતમાં જૂન મહિનાથી જ મેઘરાજા મહેરબાન થઈ ગયાં છે. રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જૂન મહિનાના અંત અને જુલાઈની શરૂઆત સુધીમાં રાજ્યમાં સિઝનનો 34 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ 37 ટકા વરસાદ દક્ષિણ ઝોનમાં નોંધાયો છે. IMD Ahmedabad એ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હાલમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો, કચ્છમાં 32.97, ઉત્તર ગુજરાતમાં 25.84, પૂર્વ મધ્ય ગુજરાતમાં 36.45, સૌરાષ્ટ્રમાં 35.24 અને દક્ષિણ ગુજરાતમાં 37.91 ટકા વરસાદ નોંધાયો છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચો – INS Tamal: ભારતીય નૌકાદળ માટે ઐતિહાસિક દિવસ
રાજ્યમાં 34 ટકા વરસાદ થયો હોવા છતાં 207 જળાશયોમાં હજી 48.68 ટકા જ પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 39.11, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 57.86, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 48.58, કચ્છના 20 ડેમમાં 31.13, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 54.34 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં હાલમાં હાઈ એલર્ટ પર 21 જળાશયો છે, એલર્ટ પર 12 જળાશયો છે. જ્યારે 20 જળાશયોને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. સાથે જ NDRF ની 13 અને SDRF ની 20 ટીમો હાલ રાજ્યમાં રાહત અને બચાવની કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.