22 વર્ષના વિકાસની આ સફરની શરૂઆતમાં નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતની કમાન સંભાળી ત્યારે ગુજરાતમાં શાળા છોડવાનો દર ઘણો ઊંચો હતો. નારી શિક્ષણ રાજ્ય માટે ચિંતાનો વિષય હતો. આ બંને સમસ્યાઓનું નિરાકરણ કરીને, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003થી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી.
મુખ્યમંત્રી મોદી અને તેમની સમગ્ર સરકારના પ્રતિનિધિ ગામડે ગામડે ગયા અને બાળકોને શાળાઓમાં દાખલ કર્યા. આ પરંપરા ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન લઈને આવી. શાળા છોડવાનો દર જે 37 ટકા હતો તે આજે ઘટીને 2 ટકા થયો છે. યુવાનો માટે ઉચ્ચ શિક્ષણની નવી તકો ખોલવા માટે, રાજ્ય સરકારે રાજ્યમાં વિશિષ્ટ યુનિવર્સિટીઓ ખોલી. યુનિવર્સિટીની સંખ્યા 14થી વધીને 108 થઈ ગઈ છે.
ગુજરાતના યુવાનોને મેડિસિન અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે અન્ય રાજ્યોમાં જવું પડતું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેનો ઉકેલ શોધીને ગુજરાતમાં મેડિકલ અને એન્જિનિયરિંગની બેઠકો વધારી.
આજે ઈજનેરી કોલેજોની સંખ્યા 26થી વધીને 133 થઈ છે, મેડિકલ સીટોની સંખ્યા 1375થી વધીને 6800 થઈ છે. યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવા માટે, મુખ્યમંત્રીએ વિશેષ કૌશલ્ય વિકાસ મિશન શરૂ કર્યું અને તેને ઉદ્યોગો સાથે જોડ્યું. જેના કારણે ઉદ્યોગોની જરૂરિયાત મુજબ માનવબળ તૈયાર થયું અને યુવાનોને રોજગારીની નવી તકો મળી. રમતગમતમાં ગુજરાતના યુવાનોનો રસ વધે અને તેઓ ઓલિમ્પિક સુધી પહોંચે તે માટે રાજ્યમાં ખેલ મહાકુંભ રમતોનું આયોજન કરવામાં આવે છે.