આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપે ગુજરાતની પ્રથમ યાદી જાહેર કરી. જેમાં કચ્છ મોરબી લોકસભાની અનુસૂચિત જાતિ અનામત બેઠક પર સાંસદ Vinod Chavda ને પક્ષ દ્વારા ત્રીજી વખત ટિકિટ ફાળવી વિશ્વાસ જાહેર કર્યો છે.
કચ્છ લોકસભા બેઠક
કચ્છમાં પહેલી વખત વર્ષ 1952માં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ બેઠક સૌથી મોટી લોકસભા અને ગુજરાતની 26 બેઠક પૈકીની પ્રથમ ક્રમની છે. વર્ષ 1996થી કચ્છ લોકસભા બેઠક ભાજપ જીતી રહી છે. આ બેઠક પર છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે ભાજપના વિનોદ ચાવડા ચૂંટાઈ રહ્યા છે.
કોણ છે વિનોદ ચાવડા?
સાંસદ Vinod Chavda નો જન્મ 6 માર્ચ 1979ના રોજ લક્ષ્મીપર, નખત્રાણા, કચ્છ ખાતે થયો હતો. તેમના પિતાજીનું નામ લાખમાશી છે. જ્યારે માતાનું નામ રસીલાબેન છે. તેમજ તેમના પત્નીનું નામ સાવિત્રી બેન છે. તેમને સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમણે LLB, B.Ed સુધી અભ્યાસ કર્યો છે. લાલન કોલેજ, ભુજ, જે.બી. ઠક્કર કોલેજ, ભુજ અને એસ.ડી. સેઠિયા કોલેજ, કચ્છ ખાતેથી તેમણે શિક્ષણ મેળવ્યું છે.
વિનોદ ચાવડા રાજકીય કારકિર્દી
ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના કાર્યકરથી રાજકીય કારકિર્દી શરૂ કરી બે વખત સાંસદ બનેલા વિનોદ ચાવડાને ભાજપે પક્ષમાં મહત્વનું સ્થાન આપ્યું હતું. તેમને ગુજરાત રાજ્યના પ્રદેશ મહામંત્રીનો હોદ્દો સોંપવામાં આવ્યો હતો. તેમના બે ટર્મ સાંસદ તરીકેના કાર્યકાળમાં વિધાનસભા, નગરપાલિકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં સફળતા તેમજ સંગઠન મજબૂત બનતા તેની ઉપરના સ્તરે નોંધ લેવાઈ હતી.
આ પણ વાંચો: BJP: ઉમેદવારની પહેલી યાદી જાહેર, ગુજરાતમાં 15માંથી 10 ઉમેદવાર રિપીટ