વૈશ્વિક બજાર સામાન્ય સ્થિતિમાં પરત ફરી રહ્યું છે ત્યારે સેમિકન્ડક્ટર ઉદ્યોગ હજુ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, જેના કારણે ઓટોમોબાઇલ ઉદ્યોગમાં સેમિકન્ડક્ટર સપ્લાયની તીવ્ર અછત સર્જાઈ છે.
નિષ્ણાતો માને છે કે આ વર્ષે તહેવારોના મહિનામાં કારની ડિલિવરીની રાહ જોતા ગ્રાહકો નિરાશ થઈ શકે છે. તેનું કારણ એ છે કે કંપનીઓએ ચિપની અછતને કારણે ઉત્પાદનમાં કાપ મૂક્યો છે, કારની ડિલિવરીનો સમય કેટલાક મહિના સુધી લંબાવ્યો છે. આ સિવાય આગામી કેટલાક મહિનાઓમાં કારની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં જ મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, મહિન્દ્રા અને ટોયોટા સહિત અનેક મોટી કાર ઉત્પાદકોએ કિંમતોમાં વધારો કર્યો છે. કાર કંપનીઓનું કહેવું છે કે કિંમતોમાં વધારો ખર્ચમાં વધારાને કારણે થયો છે. તે જ સમયે, તેને સેમિકન્ડક્ટર્સની અછત સાથે પણ જોડી દેવામાં આવી રહી છે, જેના કારણે ઓટોમોબાઇલ ઉદ્યોગ હવે ચિપ માટે વધુ કિંમત ચૂકવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં ડિલિવરીમાં વિલંબને કારણે તહેવારોમાં ઉત્સાહ ઘટી શકે છે. કારની ડિલિવરીની રાહ જોઈ રહેલા ગ્રાહકોને હજુ થોડા મહિના રાહ જોવી પડી શકે છે.
ડિલિવરીમાં વિલંબની આ પ્રક્રિયા 2023 સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી ચીપની સપ્લાય સામાન્ય નહીં થાય. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીની વાત કરીએ તો કંપનીએ પેસેન્જર કારનું ઉત્પાદન ઘટાડી દીધું છે. આ સાથે કંપનીએ સપ્ટેમ્બર 2021 માં કારના વેચાણમાં પણ ઘટાડો નોંધાવ્યો છે. કંપનીને અપેક્ષા નથી કે ઓક્ટોબર મહિનામાં સુધારો થાય. આને પણ ચીપ્સના અભાવને સૌથી મોટું કારણ ગણાવવામાં આવી રહ્યું છે.
નિષ્ણાતોના મતે, નવેમ્બર અને ડિસેમ્બરમાં કારના વેચાણમાં પણ ઘટાડો થશે, કારણ કે આ વર્ષે કાર ખરીદવાની યોજના ધરાવતા ગ્રાહકો તેમની યોજના આગામી વર્ષ સુધી મોકૂફ રાખી શકે છે. એવી પણ અપેક્ષા છે કે આ વર્ષે કાર કંપનીઓ તહેવારો પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર નહીં કરે. રિપોર્ટ અનુસાર, મર્સિડીઝ, ટોયોટા, BMW, ફોક્સવેગન અને અન્ય કંપનીઓના ટોચના અધિકારીઓએ કહ્યું છે કે, તે અપેક્ષા રાખે છે કે સેમીકન્ડક્ટરની અછતની સમસ્યા 2023 સુધી યથાવત રહેશે.
સેમિકન્ડક્ટર ઉદ્યોગ સામાન્ય સ્થિતિમાં પરત ફરવાની ગતિ જાળવવામાં નિષ્ફળ ગયો છે, જેના કારણે ઓટોમોબાઇલ કંપનીઓને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં મોટાભાગની કાર વેચતી કંપનીઓએ વેચાણમાં ઘટાડો નોંધાવ્યો છે. તેમાં દેશની બે સૌથી મોટી કાર વેચનાર મારુતિ સુઝુઇ અને હ્યુન્ડાઇનો પણ સમાવેશ થાય છે. સપ્ટેમ્બર 2021 દરમિયાન મારુતિના વેચાણમાં 57 ટકા અને હ્યુન્ડાઇના વેચાણમાં 34 ટકાનો જબરદસ્ત ઘટાડો થયો છે. આ બંને કંપનીઓનો બજાર હિસ્સો પણ અનુક્રમે 34 ટકા અને 17.80 ટકા પર આવી ગયો છે.