15 ઓગસ્ટે તાલિબાને કાબુલ પર કબજો કર્યો હતો તેને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિએ કાબૂલ પર કબજો કરવા માટે તાલિબાનોને માર્ગદર્શન આપ્યું હતું.
તાલિબાને અફઘાન રાજધાની પર કબજો કર્યો ન હતો પરંતુ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તાલિબાનને આમંત્રણ આપનાર વ્યક્તિ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. અને આ વ્યક્તિ બીજૂ કોઇ નહીં પણ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઇ છે. એક ઇન્ટરવ્યુમાં ભૂતપૂર્વ અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાનમાંથી ભાગી ગયા પછી તેમણે તાલિબાનને શહેરમાં આવવાનું કહ્યું હતું.
કરઝાઈએ કહ્યું કે તેમણે તાલિબાનને લોકોની સુરક્ષા માટે કાબુલ આવવા આમંત્રણ આપ્યું હતુ. તેમને ડર હતો કે અફઘાનિસ્તાન અને કાબુલ બંને અરાજકતામાં ફસાઈ શકે છે અને અનિચ્છનીય તત્વો કદાચ લૂંટફાટ શરૂ કરી શકે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ગનીની સાથે તેમના સુરક્ષા અધિકારીઓ પણ દેશ છોડી ગયા હતા. કાબુલના પોલીસ વડા પણ જતા રહ્યા હતા. જે બાદ હામિદ કરઝાઈએ અફઘાનિસ્તાનના તત્કાલિન રક્ષા મંત્રી બિસ્મિલ્લા ખાનનો સંપર્ક કર્યો હતો. બિસ્મિલ્લા ખાને કરઝઇને પૂછ્યું કે શું તેઓ પણ કાબુલ છોડવા માગે છે, પરંતુ કરઝાઈ, જેઓ તેર વર્ષ સુધી દેશના પ્રમુખ હતા, તેમણે કાબુલ છોડવાની ના પાડી. અને ત્યારબાદ તાલિબાનને કાબુલમાં આવવા કહ્યું હતું.