લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂળધાણી કરતાં હેડક્લાર્ક પેપરકાંડ હજુ ત્રણ દિવસ પછી પણ કોઈ સરકાર કોઈ જ એક્શન નથી લઈ શકી.. આજે પણ આખો દિવસ ગૌણ સેવા પસંદગી મંડળ અને સચિવાલયમાં અધિકારીઓ અને રાજનેતાઓની દોડાદોડી થઈ પણ પરિણામ તો શૂન્ય જ રહ્યું.
રાજ્યમાં જેટલી સરકારી પરીક્ષાઓ લેવાય છે તેના કરતાં વધારે તો પેપર ફૂંટતાં હશે તેવું લાગી રહ્યું છે… 2014થી શરૂ કરી 2021 સુધીમાં જેટલી પરીક્ષાઓ લેવાય હશે તેના કરતાં તો વધું પેપરો ફૂટ્યા હશે તેવું લાગે છે.હેડક્લાર્કની પરીક્ષાનું ફૂટેલું પેપર એ નવમી ઘટના હશે.છેલ્લા 3 દિવસથી પેપરકાંડના પુરાવા.તપાસ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે દોડાદોડ ચાલી રહી છે તેનું કોઈ જ પરિણામ આવ્યું નથી.. આજે ફરી વિદ્યાર્થી નેતાઓ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પેપરકાંડના પુરાવા આપવા પહોંચ્યા હતા.જો કે ગઈકાલે પેપર ફૂટ્યું જ નથી એવું કહેનાર અસિત વોરાએ આજે વિદ્યાર્થીઓને કહ્યું અમે ફરિયાદી બનવા પણ તૈયાર છીએ.
જો કે વિદ્યાર્થીઓએ પુરાવા આપ્યા છે તેના પણ તપાસ થશે કે કેમ તે મુદ્દે કોઈ જ અધિકારી કશું જ બોલાવા તૈયાર થયા નથી. અધુરામાં પુરૂં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીતો લાજવાને બદલે પેપરકાંડ મુદ્દે ગાજ્યા છે.જીતુ વાઘાણી કહી રહ્યા છે કે અસિત વોરા તો પ્રામાણિક છે.આ બધા જ વચ્ચે યક્ષ પ્રશ્નતો એ ઉભો થાય છે કે પેપર લીક થયું કોના હાથે.
પેપરલીક થવા મુદ્દે અનેક પુરાવા અને રજુઆતો અને અનેક રાજકીય વિવાદો વચ્ચે એ જાણવું મહત્વનું બની ગયુ છે કે પેપરકાંડનું એપીસેન્ટર ક્યું છે.
હેડક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થયું ક્યાંથી એ સૌથી મોટો સવાલ છે. જો કે સંદેશ ન્યુઝ આ અંગે ત્રણ દિવસ પહેલાં જ અહેવાલ પ્રસારિત કરી ચુક્યું હતું કે હિંમતનગરના ઉંછા ગામ પાસેના ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયું છે. જ્યાં પોલીસે પણ તપાસ આદરી હતી પરંતુ હજુ પુરાવા સાબિત થયા નથી. જો કે વિદ્યાર્થી નેતાઓ આ મુદ્દે ફર્મ છે કે પેપરલીક સાબરકાંઠા જિલ્લામાંથી જ થયું છે. અને પુરાવા પણ અસિત વોરાને સોપ્યા છે.
અધુરામાં પુરૂ વિદ્યાર્થીઓએ સાબરકાંઠા એસપીને પુરાવા અંગે ઈમેઈલ પણ કર્યો હતો. આ બધા વચ્ચે વહેલી સવારે 1 આચાર્ય સહિત 4 શિક્ષકોની પેપરલીકમાં સંડોવણી અંગે ચર્ચાએ જોર પકડ્યું હતું જેમાં એક પેપર મુદ્દે 10 લાખ રૂપિયા વસુલ્યાની પણ ચર્ચા હતી. પોલીસે હિંમતનગરમાં તપાસના ધમધમાટ શરૂ કરી અત્યાર સુધીમાં 15થી વધુ શંકાસ્પદોની અટકાયત પણ કરી છે. પોલીસે સરકારી કર્મચારીઓની સંડોવણીની દિશામાં પણ તપાસ આદરી છે. જો કે અત્યાર સુધીમાં 12 લોકોના નામ આપ પેપરકાંડમાં સામે આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ દિવસમાં બે વખત બેઠક આ મુદ્દે બેઠક કરી છે. પરંતું હજુ સુધી ગૃહવિભાગે કોઈ જ જવાબ આપ્યો નથી.