ગુજરાત અને સમગ્ર દેશ માટે આજની યાદગાર બની છે. ભુજના Smritivan ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રનો પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ મળ્યો છે. UNESCO ખાતે દર વર્ષે આપવામાં આવતા આ પુરસ્કાર થકી ભુજના Smritivan ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આને ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. સ્મૃતિવન મેમોરિયલને પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડની પ્રતિષ્ઠિત યાદીમાં સાત સૌથી સુંદર સંગ્રહાલયોમાંના એક તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જે દર વર્ષે UNESCO દ્વારા આર્કિટેક્ચર અને ડિઝાઇનના ક્ષેત્રમાં આપવામાં આવે છે.
2001 ના વિનાશક ભૂંકપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન હતું. જે અનુસાર, ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઈન અદ્ભુત છે.
28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યુ હતુ. 26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે. સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ પણ વાંચો: Uttarakhand: અકસ્માતમાં 14 પ્રવાસીઓના મોત, અન્ય ઘાયલ