
દુનિયાના સૌથી ઠંડા અને કઠોર પરિસ્થિતિઓમાં જીવતા પોલાર બિયરને આપણે સામાન્ય રીતં સંપૂર્ણ સફેદ રંગના માનીએ છીએ. પરંતુ તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસોએ એક ચોંકાવનારી હકીકત સામે લાવી છે, આ સફેદ દેખાતા રીંછો અસલમાં કાળા રંગના હોય છે. આ વાત સાંભળવામાં અચંબો લાગે, પરંતુ તેના પાછળનું વિજ્ઞાન અત્યંત રસપ્રદ અને પ્રકૃતિની અદ્ભુત રચનાને દર્શાવે છે.
સફેદ કેમ દેખાય છે પોલર બિયર?
પોલર બિયરના શરીર પર જે ફર (વાળ) હોય છે, તે હકીકતમાં સફેદ નથી. આ વાળ પારદર્શક હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ આ પારદર્શક વાળમાંથી પસાર થાય છે, ત્યારે તે પ્રકાશને પરાવર્તિત કરે છે અને બરફ જેવા સફેદ દેખાવ આપે છે. આ પ્રક્રીયાને વૈજ્ઞાનિક રીતે “Light Scattering” કહેવામાં આવે છે, જેના કારણે પોલર બિયર આસપાસના બરફ અને હિમ સાથે ભળી જાય છે.
કાળી ત્વચાનું અનોખું સત્ય
જ્યારે બહારથી પોલર બિયર સફેદ દેખાય છે, ત્યારે તેની ત્વચા કાળી હોય છે. કાળી ત્વચા સૂર્યપ્રકાશમાંથી વધારે ગરમી શોષી શકે છે. આ ખાસિયત આર્કટિકના અતિ ઠંડા તાપમાનમાં જીવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિજ્ઞાનીઓ અનુસાર, કાળી ત્વચા પોલર બિયરને શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે, જે તેમના જીવન માટે અનિવાર્ય છે. આર્કટિક વિસ્તારમાં તાપમાન ઘણી વખત -40°C સુધી પહોંચી જાય છે. આ પરિસ્થિતિમાં જીવવા માટે પોલર બિયરમાં કેટલીક ખાસ અનુકૂળતાઓ જોવા મળે છે:
ઘણા સ્તરવાળી ચરબી: શરીરને ગરમ રાખે છે
પારદર્શક ફર: છુપાવામાં મદદ કરે છે
મોટા પગ: બરફ પર ચાલવા અને તરવામાં સહાય કરે છે
કુદરતનું અદભૂત સંતુલન
પોલર બિયરનો સફેદ દેખાવ તેના માટે માત્ર દેખાવનો મુદ્દો નથી, પરંતુ તે એક મહત્વપૂર્ણ કુદરતી સંતુલન છે. સફેદ રંગના કારણે તે બરફમાં સરળતાથી છુપાઈ શકે છે અને શિકારને નજીકથી પકડી શકે છે. આ કુદરતી સંતુલન તેમને આર્કટિકના શ્રેષ્ઠ શિકારીઓમાં સ્થાન આપે છે.
વૈજ્ઞાનિક અભ્યાસ શું કહે છે?
વિજ્ઞાનીઓએ માઈક્રોસ્કોપિક સ્તરે પોલર બિયરના વાળ અને ત્વચાનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, વાળ ખાલી ટ્યુબ જેવા હોય છે, જે પ્રકાશને પરાવર્તિત કરે છે. ત્વચા ગાઢ કાળી હોય છે, જે ગરમી શોષે છે. આ અભ્યાસો નેશનલ જિયોગ્રાફિ અને અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે.
રસપ્રદ તથ્યો
પોલર બિયર ઉત્તમ તરવૈયા હોય છે અને ઘણા કિલોમીટર સુધી તરી શકે છે.
તેમની સુગંધ શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે, તે 1 કિમી દૂરથી શિકારની ગંધ મેળવી શકે છે.
તેઓ દિવસમાં 12-16 કલાક આરામ કરે છે.
સફેદ દેખાતા પોલર બિયરનું કાળું હોવું માત્ર એક રસપ્રદ તથ્ય નથી, પરંતુ તે પ્રકૃતિની અદ્ભુત વૈજ્ઞાનિક રચનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ અનુકૂળતાઓ તેમને આર્કટિકની કઠોર પરિસ્થિતિમાં જીવવા માટે સક્ષમ બનાવે છે. પરંતુ માનવ પ્રવૃત્તિઓ અને ક્લાઈમેટ ચેન્જના કારણે તેમના અસ્તિત્વ પર જોખમ ઉભું થયું છે. આથી, પોલર બિયરના સંરક્ષણ માટે વૈશ્વિક સ્તરે સંયુક્ત પ્રયાસો જરૂરી છે.

