દુષ્કર્મના ગુનામાં સુરતની લાજપોર જેલમાં કેદ Narayan Sai ને પોતાના બીમાર પિતા આસારામને મળવા માટે ગુજરાત હાઇકોર્ટ તરફથી જામીન આપવામાં આવ્યા છે. જેથી Narayan Sai જોધપુર જેલમાં બંધ આસારામ બાપુને 4 કલાક સુધી મળી શકશે.
ગુજરાત હાઈકોર્ટે સુનાવણીના અંતે પોતાના આદેશમાં જણાવ્યું કે, જેલમાં પિતા-પુત્રની મુલાકાત દરમિયાન કોઈ અન્ય વ્યક્તિ ઉપસ્થિત ના રહેવા જોઈએ. આ દરમિયાન નારાયણ સાંઈ પોતાની માતા અને બહેનને પણ નહીં મળી શકે.
આ પણ વાંચો: Karwa Chauth 2024: મહિલાઓએ કયા પ્રકારનું કામ કરવાનું ટાળવું જોઈએ?
ઉલ્લેખનીય છે કે, નારાયણ સાંઇએ જોધપુર જેલમાં બંધ પોતાના પિતા આસારામને મળવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને લઈને ગુરુવારે સુનાવણી પણ હાથ ધરાઈ હતી. આ દરમિયાન નારાયણ સાંઈના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આસારામની તબીયત નાદુરસ્ત રહે છે. આથી નારાયણ સાંઈ જોધપુર જેલમાં જઈને તેમના પિતાને મળવા માંગે છે. જો કે રાજ્ય સરકાર દ્વારા નારાયણ સાઈની અરજીનો વિરોધ કરતા દલીલ કરવામાં આવી હતી કે, આસારામના શિષ્યો મોટી સંખ્યામાં બહાર છે. એવામાં જો વધારે લોકો એકઠા થશે, તો કાયદો અને વ્યવસ્થાથી સ્થિતિ કથળી શકે છે.
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન નારાયણ સાઈએ હવાઈ માર્ગે જોધપુર જવાનું જણાવ્યું હતુ. જે અંગે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે, નારાયણ સાઈ સાથે પોલીસ ઑફિસર અને અન્ય કર્મચારીઓ પણ જશે. જેમનો ખર્ચો પણ નારાયણ સાઇએ ઉઠાવવો પડશે. જે બાદ હાઈકોર્ટે નારાયણ સાઈને રૂ. 10 લાખની ડિપોઝિટ જપ્ત કરવાનું કહ્યું. આ રકમ મુલાકાત પહેલા જમા કરવામાં આવે. જેમાંથી ખર્ચની રકમ બાદ કરતા બાકીના રૂપિયા પરત કરવામાં આવશે. હવે નારાયણ સાઈને સુરત જેલમાંથી વિશેષ વિમાન મારફતે જોધપુર લઈ જવામાં આવશે. આ દરમિયાન એક એસપી, 2 હેડ કૉન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ પણ ઉપસ્થિત રહેશે.