બિહારના રાજગીરમાં યોજાયેલી Women’s Asian Hockey Championship Trophy WACT 2024 ભારતે જીત્યું છે. ટીમ ઈન્ડિયાએ ચીનને 1-0થી હરાવ્યું છે. ત્રીજા ક્વાર્ટરની પ્રથમ મેચની 31મી મિનિટે દીપિકાએ ટીમ ઈન્ડિયા માટે પહેલો ગોલ કર્યો, જેના કારણે ભારતને જીત અપાવી. પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં કુલ 30 મિનિટની રમતમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી. ભારત અને ચીનની ટીમો 0-0 થી બરાબર રહી હતી. બીજા ક્વાર્ટરમાં ભારતને 4, ચીનને 2 પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જો કે, કોઈપણ ટીમ તેને ગોલમાં બદલી શકી ન હતી.

બિહાર સરકારે ભારતીય મહિલા હોકી ટીમનું સન્માન કર્યું છે. ટીમના દરેક ખેલાડી માટે 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. આ સાથે ટીમના મુખ્ય કોચ હરેન્દ્ર સિંહને પણ 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ભારત અને ચીનની મહિલા હોકી ટીમો વચ્ચે ફાઇનલ મેચ રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સાંજે 5 વાગ્યે શરૂ થઈ હતી. 3 હજારની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ સંપૂર્ણપણે દર્શકોથી ભરાઈ ગયું હતું. સ્ટેડિયમમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા.
આ પણ વાંચો: Winter Diet Plan: આ વાતનું રાખજો ધ્યાન, નહીંતર પડશો બીમાર
ભારતે સતત બીજી વખત અને એકંદરે ત્રીજી વખત WACT 2024 જીતી છે. અગાઉ તેણે 2023માં રાંચીમાં અને 2016માં સિંગાપોરમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયા મંગળવારે જાપાનને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. ભારતીય મહિલા હોકી ટીમે આ ટુર્નામેન્ટમાં ગ્રુપ અને સેમિફાઇનલ સહિત તમામ 6 મેચ જીતી છે. તે જ સમયે, ચીને તેની 6 મેચમાંથી 5 જીતી છે. ચીનને ગ્રુપ મેચમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આજે ભારત અને ચીન વચ્ચે 8 વર્ષ બાદ આ ફાઈનલ હોકી મેચ થઈ. આ પહેલા ભારતે 2016 અને 2013માં આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં ચીનને હરાવ્યું હતું. જ્યારે 2009માં ચીને ભારતને હરાવ્યું હતું.