રાજકોટ શહેરમાં પાણીની અછતના ભણકારા વાગી રહ્યા છે.. શિયાળાના આગમન પહેલા જ જળાશયોમાં પાણી ખૂટી ગયાની સ્થિતિ સર્જાઈ છે. ચોમાસાએ હજુ તો વિદાય લીધી છે ત્યાં તો રાજકોટવાસીઓ પર જળસંકટ તોળાઈ રહ્યું છે. રાજકોટના 3 ડેમોમાં પાણી તળિયે આવી ગયા છે.
રાજકોટમાં ચોમાસાએ હજુ તો વિદાય લીધી છે.. અને હવે રાજકોટવાસીઓ માટે સમસ્યા સર્જાઈ છે. રાજકોટમાં ચોમાસામાં ઓછો વરસાદ પડતા 3 ડેમોમાં પાણી જાણે તળિયે આવી ગયા છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે આજી 1 ડેમમાં જો પાણી વહેલી તકે નહીં છોડવામાં આવે તો આ ડેમમાં માત્ર 15 નવેમ્બર સુધી ચાલે એટલું જ પાણી વધ્યું છે. જ્યારે ન્યારી 1 ડેમમાં માર્ચ 2024 અને ભાદર 1 ડેમમાં 31 ઓગસ્ટ 2024 સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો છે. તેવામાં પાણીની તંગી સર્જાય તે પહેલા નર્મદામાંથી 2400 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો જથ્થો છોડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.. RMC કમિશનર આનંદ પટેલે રાજ્ય સરકારને પત્ર લખીને પાણીની માગ કરી છે.
રાજકોટના ડેમ તળિયા ઝાટક
આજી 1 ડેમ – 24.57 ફૂટ પાણી
ન્યારી 1 ડેમ – 23.78 ફૂટ પાણી
ભાદર 1 ડેમ – 32.70 ફૂટ પાણી
રાજકોટના આજી ડેમમાં 15 નવેમ્બર સુધી જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.. તો ‘સૌની’ યોજના થકી પાણી છોડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.. આજી 1 ડેમમાં 1800 MCFT અને ન્યારી 1 ડેમમાં 600 MCFT પાણીના જથ્થાની આવશ્યકતા જોવા મળી રહી છે.