ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારે સેમીફાઈનલ મેચ રમાઈ. જેમાં ન્યૂઝીલેન્ડની જે દસ વિકેટો પડી હતી તેમાંથી મોહમ્મદ શામીએ સાત વિકેટ લીધી હતી.
બુધવારે ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઇનલ મેચ દરમિયાન ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શામીએ પોતાનો નામ ઈતિહાસમાં અંકિત કર્યો છે. ભારતીય ટીમનો ઝડપી બોલર મોહમ્મદ શામી ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં 50 વિકેટ ઝડપનાર સૌથી ઝડપી બોલર બન્યો. શામીએ 17 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી જ્યારે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કના રેકોર્ડને પણ તોડી નાખ્યો, જેણે આ માઇલસ્ટોન સુધી પહોંચવા માટે 19 ઇનિંગ્સ લીધી હતી.
શામીએ 795 બોલમાં તેની 50 વિકેટ મેળવી હતી, જ્યારે સ્ટાર્કે 941 બોલમાં 50 વિકેટ લીધી હતી. આ સાથે મોહમ્મદ શામી પ્રથમ ભારતીય બોલર અને વિશ્વ કપમાં 50 વિકેટ પૂરી કરનારો એકંદરે સાતમો બોલર છે. હાલ ઓસ્ટ્રેલિયાના મહાન ગ્લેન મેકગ્રા 71 વિકેટ સાથે ટોચના સ્થાને છે અને ત્યારબાદ શ્રીલંકાના મુથૈયા મુરલીધરન 68 વિકેટ સાથે બીજા ક્રમાંકે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું ટ્વીટ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટમાં લખ્યું, “આજની સેમીફાઇનલ પણ અદ્ભુત વ્યક્તિગત પ્રદર્શન દ્વારા વધુ વિશેષ બની હતી. આવનારી પેઢીઓ માટે ક્રિકેટપ્રેમીઓ દ્વારા આ રમત અને વર્લ્ડ કપની પ્રશંસા કરવામાં આવશે. Well played Shami!”