અરે છાલા પગમાં પડે કે જમીનમાં? સામાન્ય રીતે તો છાલા પગમાં જ પડે પરંતુ 3 મહાદ્વીપોના 15 દેશોમાં આ રહસ્યમયી ઘટના સામે આવી છે. થઇ ગયાને હેરાન પરંતુ આપની સાથે સાથે વૈજ્ઞાનિકો પણ એટલા જ આશ્ચર્યચકિત છે.
આપણી પૃથ્વી રહસ્યોથી ભરેલી છે. તેને સમજવા વૈજ્ઞાનિકો કેટલું પણ સંશોધન કરે તેમ છતાં અવાર નવાર કંઇક નવું અને અદ્ભુત તેમની સામે આવીને ઉભું રહી જાય છે. તેવા જ કંઇક દ્રશ્યો કેટલાંક રણપ્રદેશ વિસ્તારોમાંથી સામે આવ્યા છે. ત્રણ મહાદ્વીપોના 15 દેશોની આ વાત છે, જેમાં 263 જગ્યા પર જમીન ઉપર રહસ્યમયી છાલા જોવા મળ્યાં છે. આ છાલા જોઇને એવું લાગે છે કે જાણે કે કોઇએ જમીન પર પોલ્કા ડોટ્સ બનાવી દીધા હોય. પણ પ્રશ્ન એ ઉભો થયો છે કે જમીન પર આટલાં બધાં છાલા આવ્યાં કેવી રીતે..અથવા તો જમીનનું આવી રીતે બંધારણ કેવી રીતે થયું? કઇ રાસાયણિક પ્રક્રિયા આના માટે જવાબદાર છે? વૈજ્ઞાનિકોએ આ છાલાને Mysterious Fairy Circle નામ આપ્યું છે. અને તેના પર વધુ સંશોધન શરૂ કર્યું છે.

- જમીન પર છાલાનું રહસ્ય
- 15 દેશોમાં 263 જગ્યા પર રહસ્યમયી છાલા
- રણપ્રદેશ વિસ્તારોમાં દેખાય છે આ છાલા
- તેની આસપાસ ઉગેલું છે ખાસ પ્રકારનું ઘાસ
- વૈજ્ઞાનિકો આ નિશાનને લઇને હેરાન
વર્ષ 2014માં આ નિશાન સૌથી પહેલા પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પિલબારાના રણપ્રદેશમાં જોવા મળ્યા હતા. પહેલાં એવું લાગ્યું કે આ નિશાન ઉધઈ અથવા અન્ય કોઇ કીડાના લીધે બન્યા હોઇ શકે. પરંતુ તપાસ દરમિયાન, આ નિશાનની આસપાસ આવા કોઈ કીડા જોવા મળ્યા નહીં, જે આવા નિશાન બનાવી શકે. તે પછી એક એવી પણ થિયરી સામે આવી કે આ નિશાન બનવાનું કારણ જમીનમાં પાણીની કમી પણ હોય શકે છે, પરંતુ આ બધી જ થિયરી 2021માં ખોટી ઠરી હતી. સેટેલાઇટથી આ નિશાનની હાઇ રિઝોલ્યુશન તસવીરો લેવામાં આવી છે,,જે કંઇક આવી દેખાય છે.સેટેલાઇટ અને ડ્રોન ઇમેજમાં એવું લાગે છે કે જાણે અહીં નાના નાના દારૂગોળા ફેંકવામાં આવ્યા હોય અથવા તો ઉલ્કા વર્ષા થઇ હોય.. આકાશી નજારો જોતા તો એવું લાગે છે કે અહીં પરગ્રહવાસી એટલે કે એલિયન્સનો ઉતારો થયો હોય, અને તેમના વિમાનને લીધે જમીન આવી થઇ ગઇ હોય, જેમકે કોઇ મિલ ગયા મુવીમાં દર્શાવવામાં આવ્યું છે. જોકે સમગ્ર મામલે સર્વે હાથ ધરાયો છે અને મશીન લર્નિંગની મદદથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેના પરથી સામે આવ્યું કે આ પ્રકારના નિશાન સમગ્ર વિશ્વમાં 574,799 હેક્ટર જમીન પર હાજર છે. સમગ્ર વિશ્વમાં 263 જગ્યાએ તે જોવા મળે છે.

આ નિશાન સૌથી વધુ નામીબિયા, સાહેલ, મેડાગાસ્કર અને મધ્ય-પશ્ચિમ એશિયામાં જોવા મળ્યા છે.. કેટલાંક છાલા તો 39 ફૂટ સુધીના પણ જોવા મળ્યા છે, દરેક છાલા એકબીજાથી નિશ્ચિત અંતર પર આવેલા છે, કેટલાક નિશાનની આસપાસ તો ખાસ પ્રકારનું ઘાસ ઉગેલું છે. વૈજ્ઞાનિકો હજુ પણ આ નિશાનને લઇને હેરાન છે, તે કયા કારણોસર બન્યા હોઇ શકે, તેના પર હજુ પણ સંશોધન કરવામાં આવી રહ્યું છે.