ઉનાળાની ગરમી દિવસેને દિવસે વધતી જાય છે અને સાથે જ એર કન્ડિશનર (AC) નો ઉપયોગ પણ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. પરંતુ AC ફાટવાના અને આગ લાગવાના બનાવો સામે આવ્યા બાદ લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. “AC ટાઈમ બોમ્બ બની રહ્યા છે?” એવો સવાલ હવે સામાન્ય નાગરિકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે. ખાસ કરીને Window AC અને Split AC માંથી કયું વધુ સુરક્ષિત છે તે અંગે લોકો જાણકારી મેળવવા આતુર છે.
AC બ્લાસ્ટના વધતા બનાવો
કેટલાક કેસોમાં AC માંથી સ્પાર્કિંગ થઈને આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં કમ્પ્રેસર ફાટવાના બનાવો સામે આવે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, આ બનાવો પાછળ મુખ્ય કારણ યોગ્ય મેન્ટેનન્સનો અભાવ અને ઈલેક્ટ્રિકલ ખામી છે.
Window AC: એક જ યુનિટ, ઓછી જટિલતા
વિન્ડો એસીમાં એક જ બોક્સમાં બધું હોય છે, કમ્પ્રેસર, કન્ડેન્સર અને ઈવેપોરેટર. તેને બારીમાં અથવા દિવાલમાં ફિટ કરવામાં આવે છે. તેના કારણે ઈન્સ્ટોલેશન સરળ હોય છે અને વાયરિંગ પણ ઓછું હોય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, વિન્ડો એસીમાં ભાગો એક જ યુનિટમાં હોવાથી લીકેજ અથવા ગેસ સંબંધિત સમસ્યાઓ ઓછી જોવા મળે છે. જો કે, મશીન જૂનું થઈ જાય અથવા તેમાં ધૂળ જમા થઈ જાય તો ઓવરહીટિંગની શક્યતા રહે છે.
Split AC: આધુનિક પણ વધુ ધ્યાન જરૂરી
સ્પલિટ એસી બે ભાગમાં વહેંચાયેલું હોય છે, ઈન્ડોર યુનિટ અને આઉટડોર યુનિટ. આઉટડોર યુનિટમાં કમ્પ્રેસર હોય છે, જે ઘરની બહાર મૂકવામાં આવે છે. આ ડિઝાઈનના કારણે અવાજ ઓછો થાય છે અને રૂમમાં ઠંડક વધુ અસરકારક રીતે મળે છે. પરંતુ સ્પલિટ એસીમાં પાઇપિંગ, વાયરિંગ અને ગેસ કનેક્શન વધારે હોય છે. જો ઈન્સ્ટોલેશન યોગ્ય રીતે ન કરવામાં આવે અથવા સમયસર સર્વિસિંગ ન થાય તો લીકેજ, શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડ જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
કયું વધુ જોખમભર્યું?
નિષ્ણાંતો સ્પષ્ટ કહે છે કે, એસીનો પ્રકાર જેટલો મહત્વનો નથી, એટલું જ મહત્વ તેનું મેન્ટેનન્સ અને ઉપયોગ છે. વિન્ડો એસી હોય કે સ્પલિટ એસી બન્નેમાં જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો જોખમ વધી શકે છે. તેમ છતા કેટલાક નિષ્ણાંતોના મતે સ્પલિટ એસીમાં ભાગો અલગ-અલગ હોવાથી ઈન્સ્ટોલેશનમાં ભૂલ થવાની શક્યતા વધુ હોય છે જે જોખ વધારી શકે છે. જ્યારે વિન્ડો એસીમાં સિસ્ટમ એક જ યુનિટમાં હોવાથી તે તુલનાત્મક રીતે સરળ અને થોડું વધુ સુરક્ષિત માનવામાં આવે છે.
AC બ્લાસ્ટ પાછળના મુખ્ય કારણો
ઓવરલોડેડ ઈલેક્ટ્રિકલ લાઈન: એક જ લાઈનમાં ઘણા ઉપકરણો જોડવાથી વાયર ગરમ થઈ શકે છે.
ખરાબ વાયરિંગ: જૂના અથવા નબળા વાયર શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે.
ગેસ લીકેજ: રેફ્રિજરન્ટ ગેસ લીક થવાથી આગ લાગવાની શક્યતા રહે છે.
મેન્ટેનન્સનો અભાવ: નિયમિત સર્વિસિંગ ન કરવાથી મશીન ઓવરહીટ થઈ શકે છે.
નકલી અથવા નીચી ગુણવત્તાના પાર્ટ્સ: સસ્તા પાર્ટ્સનો ઉપયોગ જોખમ વધારી શકે છે.
સુરક્ષિત ઉપયોગ માટે શું કરવું?
દર વર્ષે ઓછામાં ઓછું 1 વખત સર્વિસિંગ કરાવવું.
ગુણવત્તાયુક્ત વાયરિંગ અને સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરવો.
ACને સીધા મેન સ્વિચ સાથે જોડવું, એક્સ્ટેન્શન બોર્ડનો ઉપયોગ ટાળવો.
ગેસ લીકેજ અથવા અજાણી વાસ આવે તો તરત ટેકનિશિયનને બતાવવું.
લાંબા સમય સુધી AC સતત ચાલુ ન રાખવી.
સરકાર અને નિષ્ણાંતોની ચેતવણી
ગ્રાહકોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત
AC ખરીદતી વખતે માત્ર કિંમત નહીં પરંતુ તેની ગુણવત્તા, બ્રાન્ડ અને સલામતી ફીચર્સ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ISI માર્ક અને એનર્જી રેટિંગ જેવા માપદંડો ચકાસવા જોઈએ. નવી ટેક્નોલોજી સાથે હવે સ્માર્ટ AC પણ બજારમાં આવી રહ્યા છે, જેમાં ઓવરહીટિંગ પ્રોટેક્શન, ઓટો શટડાઉન અને એલર્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ હોય છે. આ ફીચર્સ જોખમને ઓછું કરવામાં મદદરૂપ બને છે. AC ટાઈમ બોમ્બ નથી, પરંતુ તેનો ખોટી રીતે ઉપયોગ અને બેદરકારી તેને જોખમકારક બનાવી શકે છે. વિન્ડો એસી હોય કે સ્પલિટ એસી બન્નેમાં યોગ્ય મેન્ટેનન્સ અને સુરક્ષા નિયમોનું પાલન કરવાથી જોખમ ઘણું ઓછું થઈ શકે છે.

