હંમેશા એવું બનતું હશે, આપનાથી પરિવારના સભ્યો કરતા વધારે ભાત બનાવી બેશો.. અથવા તો ગણતરી પ્રમાણે ભાત (RICE) બનાવ્યા હોય, પરંતુ તે પૂરા ન થાય અને તે વધી પડે. ત્યારે તમે આ ભાતને ફેંકી દેતા હશો પરંતુ હવે તમારે એવું કરવાની જરૂર નથી. તમે આ ભાતને ટેસ્ટી ભજીયામાં પરિવર્તિત કરી શકો છો અને આરોગી શકો છો. કેવી રીતે આવો જોઇએ.
જોકે આપને આશ્ચર્ય તો થયું હશે કે ભાતના ભજીયા વળી કેવા હોય..અનેક ઘરમાં પારંપરિક રીતે ચણાના લોટના ભજીયા જ બનતા હોય છે. જોકે તેમાં પણ અનેક વેરાયટી જોવા મળે છે. નાસ્તામાં ભજીયા મળે ભયો ભયો.. અને એમાય તો બહાર વરસાદ પડતો હોય તો ભજીયા ખાવાનું મન થાય જ. બ્રેકફાસ્ટમાં ભજીયા હેલ્થ માટે સારા રહે છે અને તે જલ્દી બનીને પણ તૈયાર થઈ જાય છે. આ નાસ્તો નાના મોટા સૌને પસંદ આવે છે. પરંતુ ભાતમાંથી ભજીયા કેવી રીતે બનાવશો આવો શીખીએ.
સામગ્રી
- 1 કપ ભાત
- 2 કપ ચણાનો લોટ
- 1 કપ બારીક સુધારેલી ડુંગળી
- 1/2 ટીસ્પૂન બારીક પીસેલું આદુ
- 1/2 ટી સ્પૂન લાલ મરચું
- 1/2 ટી સ્પૂન હળદર
- 2 સુધારેલા લીલા મરચાં
- 1 ચપટી હિંગ
- 1/2 ટી સ્પૂન ઘાણાજીરું
- 1/2 ટી સ્પૂન અજમો
- 1/2 ટી સ્પૂન જીરું પાવડર
- 1/2 ટી સ્પૂન કોથમીર
- તળવા માટે તેલ
- મીઠું સ્વાદ અનુસાર
ભજીયા બનાવવાની રીત
સૌ પહેલા તો ભાતને ફરીથી થોડા ગરમ કરો અને તેને સારી રીતે મૅશ કરી લો. પછી તેમાં ચણાનો લોટ, બારીક સુધારેલી ડુંગળી, કોથમીર, લાલ મરચું, આદુ મિક્સ કરો. હવે તેમાં તમામ મસાલા જીરું, હળદર, ધાણા પાવડર, અજમો,મીઠું વગેરે મિક્સ કરો. હવે તેને સારી રીતે હલાવી લો. આ મિશ્રણને 10 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો. હવે આ મિશ્રણમાં થોડું પાણી એડ કરો અને તેને ભજીયા જેવું બનાવી લો. તેને વધારે પાતળું કે ઘટ્ટ કરવાની જરૂર નથી. હવે કડાઇમાં મીડિયમ ગેસ પર તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય તો તેમાં મિશ્રણમાંથી પકોડા મૂકતા જાવ. ધીમા ગેસ પર સોનેરી થાય ત્યાં સુધી પકોડાને તળો. આ પકોડાને તમે ટોમેટો સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો. પછી શું આરોગવા લાગો ભાતના ભજીયા…