ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી Sushil Kumar Modi નું સોમવારે નિધન થયું છે. તેઓ 72 વર્ષના હતા. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. સુશીલ કુમાર મોદીને કેન્સર હોવાનું નિદાન થયા બાદ તેમની સારવાર ચાલી રહી હતી, તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી બિહારમાં શોકની લહેર છે. સુશીલ કુમાર મોદી છેલ્લા 7 મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આજીવન સભ્ય
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના આજીવન સભ્ય સુશીલ કુમાર મોદીનો જન્મ 5 જાન્યુઆરી 1952 ના રોજ થયો હતો. 1973માં તેમણે પટના સાયન્સ કોલેજમાંથી B.Sc(Hons.) વનસ્પતિશાસ્ત્રની ડિગ્રી મેળવી. જય પ્રકાશ નારાયણ દ્વારા શરૂ કરાયેલ સામાજિક ચળવળમાં જોડાવા માટે તેમણે M.Scની ડિગ્રી છોડી દીધી.

વિદ્યાર્થી રાજકારણમાંથી સક્રિય રાજકારણમાં આવ્યા
Sushil Kumar Modi નું બિહારના રાજકારણમાં તેમનું આગવું સ્થાન હતું. તેઓ વિદ્યાર્થી રાજકારણમાંથી સક્રિય રાજકારણમાં આવ્યા હતા. એ વાત જાણીતી છે કે આ પહેલા 3 એપ્રિલે એક ટ્વિટમાં સુશીલ કુમાર મોદીએ પોતે કહ્યું હતું કે તેઓ છેલ્લા 6 મહિનાથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડિત છે. જેની જાણકારી તેમણે પીએમ મોદી સાથે પણ શેર કરી છે. સુશીલ મોદીએ 2017 થી 2020 માં બિહારમાં BJP-JDU ગઠબંધનની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને નીતિશ કુમારની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી હતી.
બિહારની રાજનીતિ અને ભાજપનો મોટો ચહેરો
સુશીલ મોદી બિહારની રાજનીતિ અને ભાજપનો મોટો ચહેરો હતા. તેમણે 2005 થી 2013 સુધી સતત બિહાર સરકારમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રીની જવાબદારી નિભાવી છે. ત્યારપછી જ્યારે નીતીશ કુમાર ફરી એકવાર NDAમાં પાછા ફર્યા તો તેઓ ફરીથી ડેપ્યુટી સીએમ બન્યા. સુશીલ મોદી તેમના લગભગ 33 વર્ષના જાહેર જીવનમાં રાજ્યસભા, લોકસભા, વિધાન પરિષદ અને વિધાનસભા સહિત ચારેય ગૃહોના સભ્ય રહ્યા હતા.
આ પણ વાંચો: 4th Phase Voting: સૌથી વધુ બંગાળ, સૌથી ઓછું જમ્મુ-કાશ્મીરમાં મતદાન