બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ હવે મેડલ સ્ટાર બની ગઇ છે. સિંધુ ઓલિમ્પિકમાં બેડમિન્ટન વુમન સિંગલ મુકાબલામાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની ગઇ છે. આ પહેલા રિયો ઓલિમ્પિક 2016માં સિંધુએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. સિંધુએ પોતાની શક્તિશાળી રમતને ટકાવી રાખી આ વખતે પણ ભારતને મેડલ અપાવ્યો છે. ભલે તે આ વખતે સિલ્વર મેડલ તો ન મેળવી શકી પરંતુ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ જરુર રચ્યો છે.
સિંધુની શાનદાર રમત પર નજર કરીએ તો સિંધુએ ચીનની બિંગઝિયાઓને 21-13, 21-15થી માત આપી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. સિંધુએ આ બાજી ખૂબ જ સરળતાથી જીતી લીધી. માત્ર 52 મિનિટમાં જ તેણે ચીની ખેલાડીને માત આપી દીધી.
પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યું તો ચીનની ચેન યૂ ફેએ સુવર્ણ પદક પોતાના નામે કર્યું. તેણે ફાઇનલમાં ચીની તાઇપેની તાઇ ત્ઝૂ યિંગને 21-18, 19-21, 21-18થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું. તાઇ ત્ઝૂએ સિંધુને માત આપી હતી અને ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું.
ઓલિમ્પિકમાં બેડમિન્ટન રમતમાં ભારતઃ
- સાઇના નેહવાલ
બ્રોન્ઝ મેડલઃ લંડન ઓલિમ્પિક (2012)
- પીવી સિંધુ
- સિલ્વર મેડલઃ રિયો ડી જેનેરિયો (2016)
- પીવી સિંધુ
- બ્રોન્ઝ મેડલઃ ટોક્યો ઓલિમ્પિક (2021)