વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં તેજસ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. વડાપ્રધાન મોદી શનિવારે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની મુલાકાત લીધી હતી. તેમણે તેજસના મેન્યુફેક્ચરિંગ હબનું પણ નિરીક્ષણ કર્યું. મોદી સરકાર સંરક્ષણ ઉત્પાદનોના સ્વદેશી ઉત્પાદન પર સતત ભાર મૂકી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 45 મિનિટ સુધી લડાકૂ વિમાન તેજસમાં ઉડાન ભરી હતી.
વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ
આજે તેજસમાં ઉડાન ભરીને હું ખૂબ જ ગર્વ સાથે કહી શકું છું કે આપણી મહેનત અને સમર્પણને કારણે આપણે આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં દુનિયામાં કોઈથી ઓછા નથી. ભારતીય વાયુસેના, DRDO અને HAL તેમજ તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન.
ફાઈટર જેટ ‘તેજસ’ની ઉડાન
1983માં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોજેક્ટ અંતર્ગત બનવાનું શરૂ થયું હતું. 04 જાન્યુઆરી 2001ના રોજ પ્રથમ વખત તેજસે આકાશમાં ઉડાન ભરી હતી. સાયન્ટીસ્ટ ડૉ. કોટા હરિનારાયણ અને તેમની ટીમે આ સ્વદેશી લડાકૂ વિમાનને બનાવ્યું હતું. 2003માં વડાપ્રધાન અટલબિહારીએ આ લડાકૂ વિમાનને ‘તેજસ’ નામ આપ્યું હતું.
2007માં નૌસેનાના વિમાનવાહક જહાજો માટે તેજસ ફાઈટર જેટ બનાવવાની પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઈ. સૌપ્રથમ 2 તેજસ વિમાનને વાયુસેનાની સ્કવોડ્રનમાં 2016માં સામેલ કરવામાં આવી હતી. ‘તેજસ’ને એરફોર્સમાં સામેલ કરવાની અંતિમ ઔપચારિક્તા ગત વર્ષે એટલે કે 2021માં જ પૂરી થઈ હતી.ડિસેમ્બર 2017માં સંરક્ષણ મંત્રાલયે HALને ‘એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી’ અંતર્ગત કુલ 83 ફાઈટર જેટનો ઓર્ડર આપ્યો હતો. આ લડાકૂ વિમાનોની કુલ કિંમત 45,696 કરોડ રૂપિયા નક્કી થઈ.
‘તેજસ’ની વિશેષતા
તેજસ એ સિંગલ એન્જિન મલ્ટી-રોલ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે. તેજસ તેની શ્રેણીનું સૌથી હલકું અને નાનું મલ્ટી-રોલ સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટ છે. તેજસની મહત્તમ લોડ વહન ક્ષમતા 4000 કિલોગ્રામ છે. તેની સામાન્ય રેન્જ 850 કિ.મી. અને કોમ્બેટ રેન્જ 500 કિ.મી. છે. તેજસની બીજી વિશેષતા કે તે એક સાદી ડિઝાઈન ધરાવતું અને ઓછી કિંમતનું લડાકૂ વિમાન છે. સિંગાપોર, ઇજિપ્ત, શ્રીલંકા, સંયુક્ત આરબ અમીરાત, તુર્કમેનિસ્તાન અને મલેશિયાએ પણ આ વિમાન ખરીદવામાં રસ દાખવ્યો હતો, પરંતુ HALએ તેને વેચવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: ‘Successfully completed’: PM Modi takes sortie on Tejas aircraft in Bengaluru, shares pictures