ભારત સરકારે ફરીએકવાર પાકિસ્તાન સામે સોશિયલ મીડિયા સ્ટ્રાઇક કરી છે. યુટ્યૂબ અને વેબસાઇટ થકી ભારત વિરોધી સમાચારોનો ફેલાવો કરતા એકાઉન્ટને બંધ કરવાનો કેન્દ્ર સરકારે તાત્કાલિક આદેશ આપ્યો છે.
ભારત સરકારે 35 યુટ્યૂબ ચેનલ અને 2 વેબસાઇટ બંધ કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે 35 યુટ્યુબ ચેનલ, બે વેબસાઇટ, બે ટ્વિટર એકાઉન્ટ, બે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને એક ફેસબુક એકાઉન્ટને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ તમામ ખાતાઓમાં સામાન્ય બાબત એ છે કે તેઓ પાકિસ્તાનથી સંચાલિત હતા અને નકલી ભારત વિરોધી સમાચાર અને અન્ય સામગ્રી ફેલાવે છે. આ માહિતી મંત્રાલયને 20 જાન્યુઆરીએ ગુપ્તચર વિભાગના ઇનપુટ્સથી મળી હતી.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિક્રમ સહાયે કહ્યું કે તે ભારત વિરુદ્ધ પ્રચાર ફેલાવતા માહિતી યુદ્ધ જેવું છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ, આ અગાઉ 19 જાન્યુઆરીએ, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે સરકાર દેશ વિરુદ્ધ ષડયંત્ર રચનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે મેં તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. મને ખુશી છે કે વિશ્વના ઘણા મોટા દેશોએ આ અંગે સંજ્ઞાન લીધું છે. YouTube પણ આગળ આવ્યું અને તેમને બ્લોક કરવાની કાર્યવાહી કરી. તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2020માં કેન્દ્ર સરકારે ભારત વિરુદ્ધ પ્રોપેગન્ડા ચલાવતી 20 યુટ્યુબ ચેનલ અને બે વેબસાઈટને બ્લોક કરી દીધી હતી.