મેરે દેશ કી ધરતી સોના ઉગલે,, ઉગલે હીરે મોતી,,મેરે દેશ કી ધરતી.. આ માત્ર દેશભક્તિના ગીત જ નહીં પરંતુ વાસ્તવિકતા પણ છે. ભારતવર્ષનો હવે સુવર્ણકાળ આવ્યો છે. દેશના એક ભાગમાં ખરેખર સોનાનો વરસાદ થવાનો છે, અને ભારત થઇ જશે માલામાલ..
દેશની પ્રથમ ખાનગી સોનાની ખાણ
ભારતમાં લોકોને સોનાનો ખૂબ જ શોખ છે અને સોનાની ખરીદી એ માત્ર ઘરેણામાં જ નહિં પરંતુ સુરક્ષિત રોકાણની દ્રષ્ટિએ પણ મોખરે છે. આ જ કારણે ભારત એ સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. દેશમાં સોનાની ખાણ તો ઘણી છે પરંતુ હવે દેશની પ્રથમ ખાનગી સોનાની ખાણ કે જે આંધ્રપ્રદેશનાં કુર્નૂલ જિલ્લામાં તુગ્ગલી મંડલમમાં સ્થિત છે તે શરૂ થવા જઈ રહી છે. જેનું નામ છે જોન્નાગીરી ખાણ.તેનું સંચાલન ડેક્કન ગોલ્ડ માઇન્સ લિમિટેડ દ્વારા પ્રાયોગિક ધોરણે શરૂ થઈ ચૂક્યું છે જે આગામી વર્ષ સુધીમાં સંપૂર્ણ કામ શરૂ કરવા માટે તૈયાર છે.
દર વર્ષે 750 કિલો સોનાનું થશે ઉત્પાદન
જોન્નાગીરી ખાણ 2013માં એનાયત કરવામાં આવી હતી. સંશોધન પૂર્ણ કરવામાં લગભગ 8 થી 10 વર્ષ લાગ્યાં. જોન્નાગીરી ગોલ્ડ પ્રોજેક્ટમાં પાયલોટ સ્કેલ ઓપરેશન ચાલી રહ્યું છે અને જ્યારે સંપૂર્ણ સ્કેલ પર ઉત્પાદન શરૂ થશે, ત્યારે દર વર્ષે લગભગ 750 કિલો સોનાનું ઉત્પાદન થશે. હાલમાં પાયલોટ ઓપરેશન દ્વારા આ ખાણમાંથી દર મહિને આશરે એક કિલો સોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
રાહ પૂરી થઈ, હવે થશે સોનાનો વરસાદ
ગોલ્ડ એક્સપર્ટસનું કહેવું છે કે, જોન્નાગીરી ખાણમાં સોનાના ઉત્પાદનથી ભારતને વિદેશમાંથી સોનાની આયાત ઘટાડવામાં મદદ મળશે. અને એટલું જ નહીં સોનાની કિંમતને પણ નિયંત્રિત કરવામાં પણ મદદ મળી રહેશે. સોનાનું ઉત્પાદન દેશમાં થવાથી લોકોને સસ્તું સોનું મળી રહેશે.