India V/s Zimbabwe: ટીમ ઈન્ડિયાએ રવિવારે હરારેના મેદાનમાં રમાયેલી 5મી T20માં પણ ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. સાથે જ 5 મેચની T-20 શ્રેણી 4-1થી જીતી લીધી છે. India V/s Zimbabwe 5મી ટી-20માં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને ભારતને બેટિંગ માટે મોકલ્યું હતું. સંજુ સેમસને ફિફ્ટી ફટકારી અને રિયાન પરાગ સાથે 65 રનની ભાગીદારી કરી. શિવમ દુબેએ ડેથ ઓવર્સમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર 167 રન સુધી પહોંચાડ્યો હતો.
168 રનનો પીછો કરતી વખતે મુકેશ કુમાર અને શિવમ દુબેએ ઝિમ્બાબ્વેને મુશ્કેલીમાં મુકી દીધી હતી. મુકેશે 4 વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વેની ટીમ 18.3 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતીય ટીમે પાવરપ્લેમાં 6 ઓવરમાં 40 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સંજુ અને રિયાને ઇનિંગ સંભાળી લીધી. બંનેએ મળીને 65 રન જોડ્યા. આ ભાગીદારીમાં સંજુએ 40 રન અને રેયાને 22 રનનું યોગદાન આપ્યું હતું. આ બંનેએ આક્રમક બેટિંગ કરી હતી અને ઝિમ્બાબ્વેના એકપણ બોલરને ટકી રહેવા દીધો નહોતો. આ ભાગીદારીના કારણે ભારતે ઝિમ્બાબ્વેને 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
વોશિંગ્ટન સુંદરને સમગ્ર શ્રેણી દરમિયાન તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે મેન ઓફ ધ સિરીઝ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેણે 5 મેચની સિરીઝમાં માત્ર 2 મેચમાં જ બેટિંગ કરી. જેમાં તેણે 28 રન બનાવ્યા હતા. પ્રથમ ટી20માં બનાવેલા 27 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. સુંદરે મહત્વની ક્ષણોમાં વિકેટ લઈને ભારત માટે શ્રેણી જીતી હતી. તેણે સિરીઝમાં 8 વિકેટ લીધી હતી. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ 15 રનમાં 3 વિકેટ હતી. આજની મેચમાં તેણે 2 ઓવરમાં 7 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો: IND vs SA: 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો, દેશની થઈ શાનદાર જીત