દક્ષિણ ભારતીય ફિલ્મ જગતના સુપર સ્ટાર રજનીકાંતની દિકરી ઐશ્વર્યા અને સુપરસ્ટાર ધનુષના 18 વર્ષના લગ્નજીવન બાદ આખરે છૂટાછેડા થઇ ગયા છે. છૂટાછેડાના સમાચાર આવતા જ ફિલ્મ જગતમાં સોંપો પડી ગયો છે. આ સમાચારથી ધનુષ અને રજનીકાંતના ફેન્સને આંચકો પણ લાગ્યો છે. ધનુષ અને ઐશ્વર્યાના લગ્ન 2004માં થયા હતા.
છૂટાછેડાની જાહેરાત કરતા ધનુષે લખ્યું, અમે 18 વર્ષથી સાથે હતા જેમાં અમે મિત્રો, કપલ અને પેરેન્ટ્સ તરીકે સાથે રહ્યા હતા. આ પ્રવાસમાં અમે ઘણું જોયું છે. આજે આપણા રસ્તાઓ અલગ થઈ રહ્યા છે. ઐશ્વર્યા અને હું હવે એક કપલ તરીકે અલગ થઈ રહ્યા છીએ. કૃપા કરીને અમારા નિર્ણયનો આદર કરો અને અમને પ્રાઈવસી આપો.
ધનુષ જાણીતા નિર્માતા કસ્તુરી રાજાનો પુત્ર છે. ધનુષ મલ્ટીટેલેન્ટેડ છે. અભિનેતા હોવા ઉપરાંત, તે દિગ્દર્શક, નિર્માતા, ડાન્સર, પ્લેબેક સિંગર, ગીતકાર અને પટકથા લેખક પણ છે. 46 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સુપરસ્ટાર ધનુષને અત્યાર સુધીમાં એક ફિલ્મફેર એવોર્ડ, 4 નેશનલ ફિલ્મ એવોર્ડ સહિત 13 મોટા એવોર્ડ મળ્યા છે.