આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજીનો મોહનથાળનો પ્રસાદ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ વિવાદના હવનમાં ચીક્કી તો નથી, પરંતુ ભેળસેળિયા ઘીનો અભિષેક થયો છે. મોહનથાળનો પ્રસાદ બનાવવામાં જે ઘીનો ઉપયોગ લેવાતો હતો તેના નમૂના ફેઇલ આવતા સમગ્ર મામલે વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે યાત્રાધામ અંબાજી…એક તરફ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો હતો..હજારો શ્રદ્ધાળુઓ માના ચરણોમાં શીશ ઝૂકાવી રહ્યા હતા…માને મોહનથાળનો પ્રસાદ ધરાવી રહ્યા હતા..અને આરોગી પણ રહ્યા હતા..પરંતુ શ્રદ્ધાળુઓને એ સ્વપ્નેય ખ્યાલ નહોતો કે જે પ્રસાદ તેઓ હોંસેહોંસે આરોગી રહ્યા છે. તેનું ઘી ભેળસેળિયુ હશે. આરોગ્ય વિભાગે લીધેલા નમૂના 15 સપ્ટેમ્બરે ફેઇલ આવ્યા હતા.. આ વાત બહાર આવતા જ મોહનથાળ ફરી એકવાર વિવાદમાં આવી ગયો. પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સ અને મંદિર ટ્રસ્ટની કામગીરી પર સવાલો ઉભા થયા..
જેને પગલે મંદિર ટ્રસ્ટ્રે પ્રસાદ બનાવવાની કામગીરી પોતાને હસ્તક લઇ લીધી. વ્યવસ્થાના ભાગરૂપે અંબાજી મંદિર ટ્રસ્ટે હવેથી પ્રસાદ બનાવવાની કામગીરી મંદિરના કર્મચારીઓ કરશે તેવો નિર્ણય લેવાયો છે…. સાથે જ ટૂંક સમયમાં મોહનથાળના પ્રસાદનું ટેન્ડર અન્ય સંસ્થાને સોંપવામાં આવશે… આ મુદ્દે અંબાજી મંદિરના વહીવટદારે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી…
અંબાજીમાં મોહનથાળ પ્રસાદના પેકેટ ભાદરવી પૂનમે તૈયાર કરાયા હતા… ત્યારે અંબાજી ભેટ કેન્દ્રમાં પ્રસાદના 18 હજાર પેકેટનો બફર સ્ટોક હાલ પડી રહ્યો છે…. મહત્વનું છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 28 ઓગસ્ટે અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના લીધા હતા… જે નમૂના ફેલ ગયા છે… જેને લઈને ભેળસેળવાળા ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો… ઘીમાં ભેળસેળ સામે આવતા મોહિની કેટરર્સના માલિક સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.