રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસે કહેર વર્તાવ્યો છે. અત્યાર સુધીમાં કેસની કુલ સંખ્યા વધીને 35 થઈ છે, જ્યારે મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે. Sand Fly થી ફેલાતા આ રોગ પર મુખ્યમંત્રીએ અધિકારીઓને ડસ્ટિંગ ડ્રાઈવ ચલાવવા સૂચના આપી છે. જોકે વાયરસના વધતા કેસોએ વાલીઓની ચિંતા વધારી છે.
આ પણ વાંચો: Chandipura Virus: બાળકો બન્યા વાયરસનો ભોગ
ચાંદીપુરા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ હવે ગાંધીનગરમાં જ થઈ જશે. GBRC માં જ હવે ટેસ્ટિંગ થઈ જતાં સેમ્પલને પુણે મોકલવાની હવે જરૂર નહિ પડે. હાલમાં સિવિલ હોસ્પિટલ પાસે ચાંદીપુરા વાયરસની સામે લડત આપી શકાય એ માટે દવાના પૂરતા જથ્થાની વ્યવસ્થા કરી દેવાઈ છે.
પંચમહાલના ઘોંઘભા તાલુકાના લાલપુરી ગામે 12 દિવસ પહેલા 9 વર્ષીય કિશોરીનું શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસને કારણે મોત થયું હતું. જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગની સર્વેલન્સની ટીમ દ્વારા લાલપુરી ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં લાલપુરી ગામમાંથી 70 જેટલી Sand Fly ને પકડીને નમુના ટેસ્ટ માટે પુના ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા છે. જે 9 વર્ષીય કિશોરીનું મોત થયું તેના ધરમાંથી પણ 2 સેન્ડ ફ્લાય માખી મળી આવી છે. ઉલ્લેખનિય છે કે, સેન્ડ ફ્લાય નામની માખીના કરડવાથી ચાંદીપુરા નામનો વાયરસ બાળકોમાં ફેલાઈ રહ્યો છે. જેમાં તાવ, ઝાડા-ઉલટી થયા બાદ બાળકોનાં મોત થઈ રહ્યાં છે.
રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. આજે રાજકોટમાં 3, અમદાવાદમાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મોત થતાં રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 30 થઈ છે. મૃત્યુઆંક વધીને 15 થયો છે. અત્યારસુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પણ હવે અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે.