ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. જેને પગલે રાજ્યના 150થી પણ વધુ તાલુકાઓમાં વરસાદી માહોલ છે. છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, અને જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઇ રહ્યો સમગ્ર ઉત્તર ગુજરાતના અનેક તાલુકાઓમાં પણ વરસાદી માહોલ છે. ક્યારેક વાદળછાયુ વાતાવરણ સર્જાય છે, તો ક્યારેક સૂર્યદેવ દ્રશ્યમાન થાય છે અને પ્રજાજનો અસહ્ય ગરમીનો અહેસાસ કરે છે. પરંતુ સાંજ ઢળતા જ આખુ વાતાવરણ પલટાઇ જાય છે અને ભર ચોમાસા જેવો માહોલ સર્જાય છે. ચોતરફ અંધારૂ છવાઇ જાય છે. ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા થાય છે. અને શરૂ થાય છે ધોધમાર વરસાદ.
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી આ સિલસિલો યથાવત છે. હજુ પણ રાજ્ય પર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્ય પર મેઘમહેર થવાની સંભાવના છે.