શ્રીલંકા હાલ આઝાદી બાદના સૌથી ખરાબ આર્થિક પડાવમાંથી પસાર થઇ રહ્યું છે. સ્થિતિ બદથી બદતર થઇ ગઇ છે, જેને પગલે રાષ્ટ્રપતિ Gotabaya Rajapaksa એ દેશમાં કટોકટી જાહેર કરી દીધી છે. તેમના આદેશમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા અને જરૂરી સેવાઓના પુરવઠા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીલંકામાં એક એપ્રિલથી જ કટોકટી લાદી દેવામાં આવી છે.
સોનાની લંકા સળગી રહી છે. લોકોમાં આક્રોશની આગ છે. આર્થિક સંકટથી હાલત કફોડી છે અને રસ્તા પર ઉતરી લોકો સરકાર સામે વિરોધ કરી રહ્યાં છે.
દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ સામે ભભૂકતી આક્રોશની આગ. રાષ્ટ્રપતિ રાજપક્ષેના આવાસ બહાર તેના રાજીનામાની માગ સાથે 5000 કરતા વધુ લોકોની ભીડ સાથે જોરદાર પ્રદર્શન અને આગચંપી. સોનાની નગરી ગણાતી લંકાના આ હાલ છે. બેકાબુ મોંઘવારી અને સામાનની અછતના કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. શ્રીલંકા ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પોલીસની દખલગીરી બાદ પ્રદર્શન હિંસક થઈ ગયુ.

શ્રીલંકાના સત્તાના શિખર પર દાયકાઓથી રાજપક્ષે પરિવારનું શાસન છે અને આ જ પરિવારે દેશની ઘોર ખોદી નાખી છે. નિરંકુશ શાસને અર્થવ્યવસ્થાને તબાહ કરી નાખી છે.
જીવનજરૂરિયાતની ચીજોના ભાવ આકાશે આંબે રહ્યાં છે. દેવાના બોજ તળે દેશ દબાઈ ગયો છે. દેશમાં ઈંધણ અને ગેસની ઘટ છે. લોકોએ પેટ્રોલ ડિઝલ પર કલાકોના કલાકો સુધી કતારો લગાવી રહ્યાં છે. પરિવહન ઠ્પપ થઈ ગયુ છે. વીજળીના અભાવને કારણે દેશમાં અંધારપટ છે. મહામારીએ અર્થવ્યસ્થાને તબાહ કરી નાખી. કોલંબોમાં સ્થિતિને કાબુમાં મેળવવા પોલીસ અને સેના તૈનાત કરવી પડી રહી છે. આઝાદી બાદનું આ સૌથી મોટુ સંકટ છે.