રશિયા અને યુક્રેન યુદ્ધને બે મહિના કરતા પણ વધારે સમય થઇ ગયો છે. હજુ પણ યુક્રેનના શહેરો પર રશિયન સેના દ્વારા હુમલા ચાલુ છે. રશિયાએ લુહાંસ્કના સેવેરોદોનેટ્ક્સમાં છેલ્લા 24 કલાકમાં 9 વખત હુમલા કર્યા છે. જેમાં 7 ઇમારતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. લુહાંસ્કમાં 26 હુમલા થયા છે. ક્રીવી રીના નિપ્રોપેટ્રોવસ્કમાં થયેલા બોમ્બમારામાં એક વ્યક્તિનું મોત થઇ ગયું છે. રશિયન સૈનિકોએ ચેર્નીહીવ પર પણ હુમલો કર્યો છે જેમાં અનેક લોકોના મોતના સમાચાર છે.
જોકે બીજી તરફ યુક્રેની સેનાનો દાવો છે કે રશિયાએ યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી લગભગ 800 ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલમારો કર્યો છે.
11 મે સુધી રશિયાને નુકસાન
12 બોટ
160 હેલિકોપ્ટર
23,350 સૈનિક
1187 ટેન્ક
1997 ફ્યૂલ ટેન્ક અને ગાડી
199 પ્લેન
528 તોપ
390 ડ્રોન
41 વિશેષ ઉપકરણો
2856 બખ્તરબંધ ગાડીયો
185 મલ્ટીપલ રોકેટ લૉન્ચર
94 ક્રૂઝ મિસાઇલનું નુકસાન વેઠવું પડ્યું છે. અને હજુ પણ આ યુદ્ધ ચાલુ છે. યુક્રેન અને રશિયા બંને તરફથી મીડિયામાં એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે તેમણે દુશ્મન દેશને કેટલું નુકસાન પહોંચાડ્યું.
રશિયાને ટક્કર આપતું યુક્રેન
રશિયાનો દાવો છે કે યુક્રેન તરફથી તેની પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં એક રશિયન નાગરિકનું મોત થયું છે, જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. યુક્રેને જે બોમ્બ ફેંક્યા હતા તે રશિયાના બેલગોરોડ વિસ્તારના સોલોખી ગામમાં પડ્યા હતા, જ્યાંની વસ્તી 600 લોકોની છે. જે યુક્રેનની સહરહદથી માત્ર 11 કિલોમીટર દૂર છે. યુક્રેનના વધુ હુમલાની આશંકાને પગલે હાલ રશિયન નાગરિકોને અહીંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ગયા સપ્તાહે પણ યુક્રેને બેલગોરોડમાં બે હુમલા કર્યા હતા જેની ગવર્નરે ખરાઇ પણ કરી હતી. બેલગોરોડ ખારકીવથી માત્ર 40 કિમી દૂર છે. અંતર ખૂબ જ ઓછુ હોવાને પગલે રશિયાએ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી હતી, છતાં બેલગોરોડમાં હુમલા થયાં. જોકે યુક્રેને રશિયાના આ દાવાને પાયાવિહોણા ગણાવ્યા હતા.
રશિયાને ભારે નુકસાન
યુદ્ધના શરૂઆતના તબક્કામાં યુક્રેને રશિયા પર હુમલા નહોતા કર્યા પરંતુ જ્યારે ધીરજ તૂટી ત્યારે તેણે પણ રશિયા પર હુમલા કરવાનું શરૂ કરી દીધું. હાલમાં જ યુક્રેનના હુમલામાં બ્લેક-સીમાં તહેનાત રશિયન મિસાઇલ ક્રૂઝર મોસ્કવાને તબાહ કરી નાખ્યું. સ્લાવા ક્લાસ મિસાઇલ ક્રૂઝર 1979માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં 16 એન્ટી શિપ મિસાઇલ અને ઘણી બધી એર ડિફેન્સ મિસાઇલ, ટૉરપીડોઝ અને ગન તહેનાત હતી. આ તમામ શસ્ત્રો યુક્રેનના હુમલામાં તબાહ થઇ ગયા.
યુદ્ધને 80 દિવસ થવા આવ્યા છે પરંતુ હજુ સુધી રશિયા યુક્રેન પર કબ્જો જમાવી શક્યું નથી. ખારકીવ, મારિયૂપોલ, સુમી જેવા શહેરોને રશિયાએ ભલે બર્બાદ કરી નાખ્યા હોય પરંતુ યુક્રેનની રાજધાની કીવ પર હજુ સુધી કબ્જો કરવામાં રશિયા નિષ્ફળ રહ્યું છે.
રશિયાથી નારાજ વિશ્વ
વૈશ્વિક ફલકે વાત કરીએ તો મોટાભાગના દેશો રશિયાના વિરુદ્ધમાં આવી ગયા છે, સમર્થક દેશો એક પછી એક તેનો સાથ છોડી રહ્યા છે. તેમ છતાં રશિયાએ 9 મેના રોજ વિજય દિવસની પરંપરાગત ઉજવણી કરી. વિજય દિવસ પર પુતિને કહ્યું કે
નાટો અમારી સરહદ પર ખતરો પેદા કરવા માગે છે. તે રશિયા પર હુમલો કરવા માગતુ હતું. રશિયન સેના યુક્રેનમાં પોતાની માતૃભૂમિની રક્ષા કરી રહ્યું છે. રશિયન સેનાએ પશ્ચિમી દેશોની નીતિઓની વિરુદ્ધ યોગ્ય સમયે જરૂરી જવાબી કાર્યવાહી કરી છે.
- વ્લાદીમીર પુતિન, રાષ્ટ્રપતિ, રશિયા
કઝાકિસ્તાન પણ થયું દૂર
બીજા વિશ્વ યુદ્ધમાં જર્મનીની નાઝી સેના પર સોવિયત સંઘની જીતના પ્રતિકરૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પૂર્વ સોવિયત સંઘના સહયોગી દેશમાં પણ વિજય દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે યુક્રેન યુદ્ધના વિરોધમાં રશિયાના સમર્થક દેશ કઝાકિસ્તાને વિજય દિવસ ઉજવવાનો ઇનકાર કરી દીધો. કઝાકિસ્તાનનો આ નિર્ણય રશિયાના આક્રમક કાર્યોથી દૂર રહેવાનો એક સંકેત છે. જોકે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી રશિયાને હટાવવાના અમેરિકાના પ્રસ્તાવ પર કઝાકિસ્તાને નરોવાકુંજરોવાની નીતિ અપનાવી હતી.
ભારત સહિતના દેશોએ કરી મદદ
ભારત-અમેરિકા સહિત અન્ય દેશોની જેમ કઝાકિસ્તાને પણ યુક્રેનને માનવીય મદદ મોકલાવી હતી. માર્ચ મહિનામાં મેડિકલ સાધનોથી સજ્જ ત્રણ પ્લેન મોકલાવ્યા હતા. આ ઉપરાંત ફુડ સહિતની અનેક મદદો મોકલાવી હતી. તો યુરોપિયન યુનિયન રશિયા પર ઊર્જા નિર્ભરતા ઓછી કરવા માટે 195 અરબ ડોલર ખર્ચ કરી શકે છે
બ્રિટન પણ આવ્યું મદદે
બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને રશિયન એટેકની સ્થિતિમાં સ્વીડન અને ફિનલેન્ડને મદદ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. જોનસનનું કહેવું છે કે
બ્રિટેન સ્વીડન અને ફિનલેન્ડને બનતી તમામ મદદ કરવા તૈયાર છે. તેમને નાટોનું સભ્યપદ આપવાના પક્ષમાં પણ છે, આ મુદ્દે થનારા વોટિંગમાં પણ બ્રિટન તેને સમર્થન આપશે.
– બોરિસ જોનસન, પ્રધાનમંત્રી, બ્રિટન
ફિનલેન્ડે પણ નાટોનું સભ્યપદ લેવાનું મન બનાવી લીધું છે. અને રવિવારે ફિનલેન્ડ તેના માટે પ્રસ્તાવ મુકશે.
યુક્રેન રશિયા યુદ્ધને લઇને રશિયા પર ચોતરફથી ફિટકાર વરસી રહી છે. પોલેન્ડમાં રશિયન રાજદૂતના મોઢા પર રોષે ભરાયેલા લોકોએ પેઇન્ટથી હુમલો કર્યો. આ રશિયન રાજદૂતના મોઢા પર નહીં પરંતુ વ્લાદિમીર પુતનના મોઢા પર ફેંકાયેલો વિરોધનો રંગ છે, જે પુતિન ક્યારે સમજશે અને ક્યારે યુદ્ધ પર પુર્ણવિરામ મુકશે ?