એકાદશીનાં વ્રતનું માહાત્મય ખુબજ મોટું છે. 1 લાખ તપસ્વીને રોજ નવી નવી રસોઈ કરીને તમે 60 હજાર વર્ષ સુધી જમાડો અને જે ફળ મળે તેટલું ફળ એક એકાદશી કરવાથી મળે છે. આવી જ એક એકાદશી એટલે જલઝીલણી એકાદશી. સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ ગઢડામાં 200 વર્ષની પરંપરા મુજબ ગોપીનાથજી મંદિર ખાતે જળ ઝીલણી એકાદશીની ઉજવણી કરાઈ. કેવો ભક્તિમય માહોલ જળયાત્રામાં હતો અને શું મહત્વ છે આ એકાદશીનું જાણીયે.
ભગવાન અને સંત વહાણરુપે આપણી સાથે હોય તો તે નૌકા ખરા અર્થમાં જળઝીલણી બની જાય છે. માટે ભગવાન અને સંતના ચરણોને હંમેશા પખાળવા જોઇએ. એવો સંદેશો આપણને આ જળઝીલણીનો ઉત્સવ આપે છે. આમ, જળઝીલણી એકાદશીનો ઉત્સવ વર્ષોથી ઉજવાતો આવ્યો છે, આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને નાવમાં બેસાડી, સંતો-ભક્તો તમને જળમાં ઝીલાવવા લઈ જાય છે. જળઝીલણીના દિવસે જે ભક્તો ભગવાનના નૌકાવિહારના દર્શન કરે છે તે જીવનું કલ્યાણ થાય છે. કારણ કે, જે માણસોએ ભગવાનના દર્શન કર્યા હોય તેને જો આ દર્શન અંતકાળે એટલે કે, મૃત્યુ સમયે સાંભરી આવે તો તે જીવનું અત્યંત કલ્યાણ થાય છે. તેથી જ શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમ પ્રકરણના ત્રીજા વચનામૃતમાં કહ્યું છેકે, અમે જે જે ઉત્સવ સમૈયા કર્યા હોય તેને સંભાળી રાખવા, અંતકાળે તે સાંભરી આવે તો જીવનનું બહું જ રુડું થાય છે. આમ, જળઝીલણી એકાદશીએ ભગવાનને નૌકાવિહાર કરાવવામાં આવે છે.

બોટાદ જિલ્લાનું ગઢડા (સ્વામીના) સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉપરાંત સહજાનંદ સ્વામીની કર્મભૂમિ અને અનેક દિવ્ય લીલાઓ તથા પરંપરા માટે મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સ્વામીનારાયણ ભગવાન ગઢડામાં 29 વર્ષ રહ્યા હતા. સ્વામીનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ શિક્ષાપત્રીની રચના ભગવાને ગઢડામાં કરી હતી તેમજ સ્વામિનારાયણ ભગવાને જળઝીલણી એકાદશીના દિવસે ઘેલો નદીમાં ઠાકોરજીને જળ જીલાવ્યા હતા, ત્યારથી સ્વામીનારાયણ ભગવાને શરૂ કરેલી જળ ઝીલણી એકાદશીની બસ્સો વર્ષની પરંપરા ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા હજુ પણ યથાવત છે. જળયાત્રાની સાથે સાથે અહીં બે દિવસનો ભવ્ય લોકમેળો યોજાય છે. ત્યાં મોટા પ્રમાણમાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા, જળયાત્રા દર્શનનો લ્હાવો લીધો હતો.
12 વર્ષ બાદ આ એકાદશીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા પરંપરાગત આજે જળ ઝીલણી એકાદશીના દિવસે સવારના 10 કલાકે મંદિરના ગર્ભગૃહમા ઠાકોરજીની પૂજાઅર્ચના કરીને ઠાકોરજીને સોનાની પાલખીમાં ઢોલ નગારા, ધૂન મંડળીઓ, સાધુસંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે ઠાકોરજીની જળ યાત્રા યોજાઈ. ત્યારે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસ સ્વામીએ જણાવ્યું કે આખરે છેલ્લા ઘણા વર્ષોથી આ જળયાત્રા બંધ હતી, આખરે વિવાદનો અંત આવ્યા બાદ આ વર્ષથી રાબેતા મુજબ જળયાત્રા યોજાઇ જેનો સૌ સાધુ સંતોને આનંદ છે.

ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા જળ જીલણીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. મંદિર દ્વારા ઠાકોરજીની ભવ્ય જળ યાત્રા કાઢવામાં આવે છે જેમા મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. જેથી સમગ્ર ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જળઝીલણી એકાદશી ઉપવાસ કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે તેવું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. એકાદશી કરવાથી બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુનો દ્રોહ કરનાર, સદા અસત્ય બોલનાર આદિ અનેક મહાપાપોથી પણ મુક્તિ મળે છે. આ જળઝીલણી એકાદશીએ ઉપવાસ અવશ્ય કરવો જ જોઈએ. એકાદશીના દિવસે રાત્રે ભગવાનનું સ્મરણ કરતાં જાગરણ કરવાની પણ પ્રણાલિકા છે. એકાદશીના દિવસે મંદિરોમાં જઈને ધ્યાન, ધૂન, ભજનકીર્તન કરીને ભગવાનની સ્મૃતિએ સહિત એકાદશી કરવી જોઈએ.