પાકિસ્તાનમાં હાલ રાજકીય ઉથલપાથલ છે, ઇમરાન સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ઇમરાન ખાને વિપક્ષને સંસદ ભંગ કરવાનો પણ પ્રસ્તાવ આપ્યો પરંતુ વિપક્ષે તેને નકારી કાઢ્યો, અને બિલાવલે કહ્યું કે ઇમરાન ખાન સામે હવે કોઇ માર્ગ નથી એટલે તેઓ ઇજ્જતથી ખુરશી છોડી દે.
પ્રધાનમંત્રી ઇમરાન ખાને રાષ્ટ્રજોગ સંબોધન સંબોધન કર્યું અને તેમાં તેમણે અનેક મુદ્દાઓને આવરી લીધા, ભારત સાથેના સંબંધો, કાશ્મીર મુદ્દો, અમેરિકા, રશિયા સહિતના અનેક મુદ્દે વાત કરીને પાકિસ્તાનની આવામને નિર્ણય કરવાનો ઇશારો કર્યો.
ઇમરાન ખાને પોતાના સંબોધનની શરૂઆતમાં જ કહ્યું કે પાકિસ્તાન માટે ફેંસલાની ઘડી આવી ગઇ છે. ઇમરાન ખાને ખુલીને અમેરિકા વિશે બોલતા કહ્યું કે અમેરિકાનું હિમાયતી બનવું મુશર્રફની મોટી ફુલ હતી, ઇમરાને કહ્યું કે હું આઝાદવિદેશ નીતિનો પક્ષકાર છું, હું ભારત કે કોઇપણ દેશનો વિરોધી નથી. ઇમરાને પોતાના સંબોધનમાં ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો. અને કહ્યું કે હું કાશ્મીર વિશે ત્યારે જ બોલ્યો જ્યારે ભારતે કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો.
ઇમરાન ખાને પોતાના રશિયા પ્રવાસ અંગે કહ્યું કે અમેરિકા તેમના રશિયા પ્રવાસથી નારાજ છે, એટલું જ નહીં ઇમરાને અમેરિકા સાથેના સંબંધ ખત્મ કરવાની પણ ધમકી આપી. જોકે ઇમરાનની આ સુફીયાણી વાતો તેમની સરકાર બચાવવામાં કેટલી મદદરૂપ થાય છે તે તો 3 એપ્રિલે જ ખબર પડશે.