એક નહીં બે નહીં પરંતુ અનેકવાર બાળકો જિવલેણ બોરવેલમાં ખાબકી જાય છે, અને શરૂ થાય છે જીવન અને મોત વચ્ચેનો જંગ..કેટલાક પ્રિન્સ જેવા બાળકો મોતને હાથતાળી આપી જાય છે, તો કેટલાક ભૂલકાઓનું જીવન બોરવેલના કાદવમાં રૂંધાઇ જાય છે. હજારો વાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, ક્યારેક ગુજરાતમાં, ક્યારેક મધ્યપ્રદેશમાં, ક્યારેક પંજાબમાં. અને હવે છત્તીસગઢમાં જીવન અને મોત વચ્ચે લડી રહ્યો છે 10 વર્ષનો રાહુલ..
ઓપરેશન ‘જિંદગી’
છત્તીસગઢના જાંજગીર-ચાંપા જિલ્લો… જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે કોલાહલ છે, સોરબકોર છે, અને રોકકડ છે..કેમકે છેલ્લા બે દિવસથી 10 વર્ષનો રાહુલ નામનો બાળક 50 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયો છે. જેને બહાર કાઢવામાં NDRFની ટીમ સહિતની તમામ ટીમો કામે લાગી છે. બાળકને બહાર કાઢવા માટે બોલવેલની બરોબર બાજુમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. બાજુમાં ઊંડો ખાડો કરીને રેસ્ક્યૂ ટીમ બાળક સુધી પહોંચશે અને ત્યાંથી રાહુલને હેમ ખેમ બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાહુલના રેસ્ક્યૂ માટે ગુજરાતથી રોબોટિક્સ એન્જિનિયર મહેશ આહીરને છત્તિસગઢ બોલાવવામાં આવ્યા છે. મહેશ આહિરે રોબોટ દ્વારા રાહુલને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ, કીચડ અને પાણીના કારણે પહેલો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો, જોકે રોબોટિક્સ પદ્ધતિ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરાઇ રહ્યું છે. મહેશ આહીરે અત્યાર સુધી રોબોટ દ્વારા અનેક માસુમોનું બોરવેલમાંથી સકૂશળ રેસ્ક્યૂ કર્યું છે, એ તમામ બાળકોની ઉંમર 3થી 5 વર્ષની હતી. ત્યારે 10 વર્ષનો રાહુલ તેમના માટે પડકાર સાબિત થઇ રહ્યો છે. ઘટનાસ્થળે SECLની રેસ્ક્યૂ ટીમ પણ પહોંચી ગઇ છે.
જિલ્લા તંત્રએ સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી છે. સ્વાસ્થ્ય અને તબીબી અધિકારી સહીતની તમામ ટીમો ખડેપગે કરી દેવાઇ છે. ઘટનાસ્થળે ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. જેસીબી જેવા મશીનોને પણ કામે લગાવી દેવામાં આવ્યા છે. કોરબા અને ઝારખંડથી પણ ખોદકામ એક્સપર્ટ અને ઘણા ડ્રિલિંગ મશીનો મંગાવવામાં આવ્યા છે. બચાવ અધિકારીઓને લાગી રહ્યું છે કે હવે ટનલથી જ રાહુલનું રેસ્ક્યૂ કરી શકાશે.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બાળકને સુરક્ષિત કાઢવા તંત્રને નિર્દેશ કર્યો છે, તેમણે બાળકના માતાપિતા સાથે ફોન પર વાત કરી, અને પરિવારજનોને સાંત્વના પાઠવી કે રાહુલને સકૂશળ બહાર કાઢી લેવામાં આવશે. તેમણે કહ્યું રાહુલને બહાર કાઢવા માટે આખી ટીમ કામે લાગી છે. સાથે જ મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર સાથે પણ સતત સંપર્કમાં છે, રેસ્ક્યૂ અંગેનું પળેપળનું અપડેટ લઇ રહ્યા છે.
પરિવારજન કરી રહ્યા છે કલ્પાંત
રાહુલના બોરવેલમાં ખાબક્યા બાદ પરિવારજનોમાં ખૂબ જ શોકનો માહોલ છે, રાહુલની માતા સતત રડી રહી છે. રાહુલ શુક્રવારે 2 વાગ્યાથી ગુમ હતો, પાસેના ખાડામાંથી રાહુલનો અવાજ આવતા પરિવારને તેની જાણ થઇ. બોરવેલનો ખાડો 80 ફૂટ ઊંડો છે અને રાહુલ લગભગ 50 ફૂટે ફસાયેલો છે.

રેસ્ક્યૂમાં મદદ કરી રહ્યો છે રાહુલ
રાહુલ ભલે બોરવેલમાં ફસાયો હોય પરંતુ તે હિંમત તેણે હિંમત નથી હારી.. તે પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહ્યો છે. જવાનોએ જ્યારે અંદર પાણી કાઢવા માટે ડોલ ફેંકી તો રાહુલે તેમાં પાણી ભરી આપ્યું. જોકે રાહુલ બોલી નથી શકતો અને તેને સંભળાતુ પણ નથી. પરિવારજનોનું કહેવું છે કે તેની માનસિક સ્થિતિ સારી નથી. રાહુલને પીવા માટે પાણી, જ્યૂસ અને ખાવા માટે કેળા જેવી સામગ્રી પણ આપવામાં આવી છે, રાહુલ તેને ખાઇ પણ રહ્યો છે. રેસ્ક્યૂ ઓપરેશન પુરજોશમાં ચાલી રહ્યું છે, માત્ર જિલ્લો અને રાજ્ય જ નહી પરંતુ આખો દેશ એ પ્રાર્થના કરી રહ્યો છે કે રાહુલ હેમખેમ બહાર આવી જાય છે.
બોરવેલમાં બાળક પડી જવાની આ પહેલી ઘટના નથી, દેશના ઘણા રાજ્યોમાં આવી અનેક ઘટનાઓ બની ચૂકી, જેમાં કેટલાંક બાળકોનો આબાદ બચાવ થયો છે, તો કેટલાંકને કાળમૂખો બોરવેલ ભરખી ગયો છે.
7, જૂન, 2022ની જ ઘટના છે. ગુજરાતના ધ્રાંગધ્રાના દુદાપુર ગામે બોરવેલ એક ત્રણ વર્ષનું બાળક ગરકાવ થઇ ગયું હતું. જોકે NDRFની ટીમે માત્ર 40 મિનિટમાં જ આ બાળકને હેમખેમ બહાર કાઢી લીધું હતું. બાળક રમતા રમતા બોરવેલમાં ગરકાવ થઇ ગયું હતું, જેને પગલે ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી. બોરવેલમાંથી બાળકને બહાર કાઢ્યા બાદ તેને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશના છત્તરપુરમાં પણ 14 વર્ષનો બાળક 100 ફૂટ ઉંડા બોરવેલમાં ખાબક્યો હતો, જેને પણ 24 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયો હતો.
પંજાબમાં વર્ષ 2006માં ચાર વર્ષનો પ્રિન્સ 60 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઇ ગયો હતો. અને ભારતીય સેનાએ 50 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ તેને બોરવેલમાંથી હેમખેમ બહાર કાઢી લીધો હતો.
દરેક બાળક પ્રિન્સ નથી હોતું. પંજાબના હોંશિયારપુરમાં બનેલી બે સપ્તાહ પહેલા જ ઘટના છે. જ્યાના ગદરીવાલા ગામમાં એક 6 વર્ષનો ઋત્વિક બોરવેલમાં ખાબક્યો. લગભગ 8 કલાક સુધી ndrf, આર્મી અને પોલીસની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું. તમામ પ્રયાસો ટીમને નિષ્ફળતા હાથ લાગી, અને ઋત્વિક મોત સામે જિંદગીની જંગ હારી ગયો.
તમિલનાડુમાં પણ બે વર્ષનો સુજિત બોરવેલમાં ખાબક્યો હતો, 5 દિવસ સુધી તેને બચાવવાની કામગીરી ચાલી હતી. જોકે તેને પણ બચાવી શકાયો નહોતો.
બે વર્ષ પહેલા પણ પંજાબમાં જ એક બે વર્ષનો ફતેહવીર 150 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યો હતો પરંતુ તેપણ જિંદગી સામે જંગ હારી ગયો હતો. દેશમાં આવા અનેક સુજીત અને ઋત્વિકને કાળમુખા બોરવેલ ભરખી ગયા છે, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાથી તંત્રની આંખો ખુલતી નથી.
Best Deals on Pest Control Products