30 મે રવિવારનો એ દિવસ. ગુજરાતના અમદાવાદ ખાતે આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લાખો દર્શકોથી ખીચોખીચ ભરેલું હતું. કોઇ ગુજરાત ટાઇટન્સનું ફેન હતું તો કોઇ રાજસ્થાન રોયલ્સને ચીયર કરવા માટે આવ્યું હતું. આખા સ્ટેડિયમમાં શોરગુલ હતો. કોરોનાના ભીષણ બે વર્ષ બાદ આ કોઇ મોટો ઉત્સવ હોય અને તેની ઉજવણી માટે બધા ભેગા થયા હોય તેવું લાગી રહ્યું હતું. સ્ટેડિયમમાં ઉપસ્થિત નાના ભૂલકાંથી લઇને વડીલો સુધી તમામના ચહેરા પર બસ ખુશી જ ખુશી હતી. એવું નથી માત્ર સ્ટેડિયમ પરંતુ જ્યા મેચ જોવા મળે તે સ્થળે દરેક ક્રિકેટ રસિક ગોઠવાઇ ગયો હતો.
ગુજરાતને ‘હાર્દિક’ અભિનંદન
IPLમાં શાનદાર પ્રદર્શન કરીને ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી દીધું. જીત બાદ ગુજરાતના મુખ્યમંત્રીએ તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમને સન્માનિત કર્યા. હાર્દિક પંડ્યાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિ ચિહ્નની ભેટ આપી. ગુજરાત ટાઇટન્સે પોતાની ડેબ્યુ સિઝનમાં જ ટાઇટલ પોતાના નામે કર્યું, જેની ભવ્ય ઉજવણી માટે તેમણે અમદાવાદમાં એક ભવ્ય રોડ શૉ કર્યો, જેમાં તેમણે પોતાના ફેન્સનું અભિવાદન ઝીલ્યું.
