Gujarat tableau Popular Choice Award 2026: 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી ભવ્ય રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ગુજરાતના ટેબ્લોએ એક વધુ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ આધારિત આ ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત થતાં, આજરોજ નવી દિલ્હીમાં વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી ખાતે વિધિવત્ પુરસ્કાર વિતરણ સમારોહ
નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે આયોજિત પુરસ્કાર વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી શ્રી સંજય સેઠના કરકમળે ગુજરાતને આ પ્રતિષ્ઠિત ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્ય વતી આ સન્માન મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર શ્રી કિશોર બચાણી દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
સતત ચાર વર્ષ પોપ્યુલર ચોઈસ એવોર્ડ, ચાર વર્ષમાં કુલ પાંચ રાષ્ટ્રીય સન્માન
આ સિદ્ધિ સાથે ગુજરાતે એક અનોખો રેકોર્ડ સ્થાપ્યો છે. છેલ્લા ચાર વર્ષથી ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ એવોર્ડ સતત પોતાના નામે કર્યો છે. એટલું જ નહીં, વર્ષ 2024માં જ્યુરીઝ્ ચોઈસ એવોર્ડ પણ પ્રાપ્ત થતાં, ગુજરાતને ચાર વર્ષમાં કુલ પાંચ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે.
ગુજરાતના ટેબ્લોની સાંસ્કૃતિક ઝલકને પણ મળ્યો સન્માન
ટેબ્લો નિર્માણ દરમિયાન રાષ્ટ્રીય રંગશાળા ખાતે યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારોની સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધામાં પણ ગુજરાતના નૃત્યને પ્રોત્સાહક ઈનામ મળ્યું હતું. આ સન્માન ગુજરાતની લોકસંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિને રાષ્ટ્રીય સ્તરે મળેલી માન્યતા દર્શાવે છે.
માહિતી કમિશનર કચેરી દ્વારા નિર્મિત ટેબ્લો
ઉલ્લેખનીય છે કે, ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ વિષય આધારિત ચાલુ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્ય માહિતી કમિશનર શ્રી કિશોર બચાણીના દિશાદર્શન અને અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું.
ટેબ્લો નિર્માણની જવાબદારી સંયુક્ત માહિતી નિયામક ડૉ. સંજય કચોટ અને ફિલ્મ પ્રોડક્શન શાખાના નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા દ્વારા સફળતાપૂર્વક સંભાળવામાં આવી હતી.
અગાઉના વર્ષોની વિજય ગાથા
ગુજરાતના ટેબ્લોની સફળતાની પરંપરા છેલ્લા કેટલાય વર્ષોથી સતત આગળ વધી રહી છે.
- વર્ષ 2023:
‘ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’ થીમ આધારિત ટેબ્લોએ પુનઃપ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગનો સંદેશ આપીને ‘પોપ્યુલર ચોઈસ’ એવોર્ડ જીત્યો. - વર્ષ 2024:
‘ધોરડો – વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’ થીમ આધારિત ટેબ્લોએ ‘પોપ્યુલર ચોઈસ’ સાથે-સાથે ‘જ્યુરીઝ્ ચોઈસ’ શ્રેણીમાં બીજો ક્રમ મેળવીને ગુજરાતના પ્રવાસન વૈભવને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કર્યું. - વર્ષ 2025:
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતના વિકાસ અને વિરાસતનું પ્રતિબિંબ દર્શાવતો
‘આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ’ ટેબ્લોએ ‘પોપ્યુલર ચોઈસ એવોર્ડ’ જીતી લીધો. - વર્ષ 2026:
‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ સાથે સતત ચોથી વખત પોપ્યુલર ચોઈસ એવોર્ડ જીતીને ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે ઇતિહાસ રચ્યો.
ગુજરાતની સર્જનાત્મકતા અને લોકવિશ્વાસનો વિજય
ગુજરાતના ટેબ્લોને મળતો સતત જનસમર્થન આધારિત ‘પોપ્યુલર ચોઈસ એવોર્ડ’ એ રાજ્યની સર્જનાત્મકતા, સંસ્કૃતિ, વિકાસદૃષ્ટિ અને લોકવિશ્વાસનો પ્રતિબિંબ છે. આ સિદ્ધિ ગુજરાત સરકારના સંકલ્પ, અધિકારીઓની મહેનત અને કલાકારોની કલાત્મક પ્રતિભાનો સંયુક્ત વિજય ગણાય છે.
આ રીતે, પ્રજાસત્તાક પર્વ 2026માં ગુજરાતે ફરી એકવાર દેશભરમાં પોતાનું ગૌરવ અને પ્રતિષ્ઠા ઉજાગર કરી છે.

