નાણા મંત્રાલયે માર્ચ મહિનાના જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે,, જેમાં જીએસટી કલેક્શને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
દેશમાં આ વર્ષે GST કલેક્શનમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કલેક્શન માર્ચમાં વધીને 1.42 લાખ કરોડ રૂપિયા થયું છે. માર્ચના જીએસટી કલેક્શને જાન્યુઆરી 2022ના 1 લાખ 40 હજાર 986 લાખ કરોડ રૂપિયાના કલેક્શનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માર્ચ 2022નું કલેક્શન ગયા વર્ષના માર્ચ મહિનાના જીએસટી કલેક્શનથી 15 ટકા વધારે છે, તો માર્ચ 2020ના જીએસટી કલેક્શનના 46 ટકા વધારે છે.
માર્ચમાં CGST કલેક્શનની વાત કરીએ તો 25 હજાર 830 કરોડ રૂપિયા, SGST 32 હજાર 378 કરોડ, IGST 74 હજાર 470 કરોડ રૂપિયા તેમ જ સેસ 9 હજાર 417 કરોડ રૂપિયા થયું છે. નાણાકિય વર્ષ 2022નું માસિક GST 1.38 લાખ કરોડ રૂપિયા છે. સરકારે કહ્યું છે કે આર્થિક સુધારો અને બોગસ બિલર્સની સામે કાર્યવાહી થતાં જીએસટી કલેક્શન વધ્યું છે.
આ તરફ ગુજરાત રાજ્યની વાત કરીએ તો GSTની સૌથી વધુ આવક 86 હજાર 780 કરોડ રૂપિયા થઇ છે. GSTના અમલીકરણ બાદ પ્રથમવાર આટલી મોટી આવક થઇ છે, જે ગત વર્ષ કરતા 20 હજાર કરોડ રૂપિયા વધારે છે.