દેશના 12 રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેલા અગ્નિ જેવો માહોલ છે, યુવાનો જે દેશનું ભવિષ્ય છે, તે હાલ દેશનો વર્તમાન ખરાબ કરવામાં લાગ્યા છે. કોઇ ટ્રેન સળગાવી રહ્યું છે, તો કોઇ વાહનોને આગ ચાંપી રહ્યું છે, તો કોઇ રસ્તાઓ ચક્કાજામ કરી રહ્યું છે. સેનામાં સામેલ થઇને દેશની રક્ષા કરવા માગતા જાબાંજ યુવાનો તો આવું કૃત્ય ન જ કરે…તે ચોક્કસ છે. તો પછી કોણ છે એ લોકો જે દેશની શાંતિ ડહોળવાનું રચી રહ્યા છે ષડયંત્ર?
છેલ્લા ત્રણ દિવસથી દેશના 12 રાજ્યોમાં અગ્નિપથ પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. અગ્નિપથના વિરોધમાં રસ્તા પર ઉતરેલા યુવાનો ટ્રેનો ફૂંકી રહ્યા છે, વાહનો સળગાવી રહ્યા છે, પોલીસ પર હુમલો કરીને સરકારી સંપત્તિઓને મોટી સંખ્યામાં નુકસાની પહોંચાડી રહ્યા છે.
વિરોધ પ્રદર્શનની શરૂઆત બિહારથી થઇ હતી, અને ત્યારબાદ તેની આગ અન્ય રાજ્યોમાં પ્રસરી..સૌથી વધુ ઉગ્ર પ્રદર્શન બિહારમાં જ થઇ રહ્યું છે. બિહારની રાજધાની પટના સહિત 25 જિલ્લામાં અગ્નિપથનો ભારે વિરોધ થઇ રહ્યો છે. દાનાપુર અને લખીસરાય સ્ટેશન સહિત 6થી વધુ સ્ટેશનો પર આગચંપી કરવામાં આવી. અનેક જગ્યાએ પોલીસે ટોળાને વિખેરવા માટે ફાયરિંગ અને બળપ્રયોગ પણ કર્યો.
પ્રદર્શનકારીઓનો પ્લાન જાણે નક્કી હોય તેમ સવારથી જ 8 ટ્રેનોને નિશાન બનાવી દીધી. સમસ્તીપુરમાં 2, લખીસરાયમાં 2, દાનાપુર, આગ્રા, અને સુપૌલમાં એક-એક ટ્રેનને આગને હવાલે કરી દેવામાં આવી. તો બક્સર અને નાલંદા સહિત ઘણા જિલ્લામાં રેલવે ટ્રેક પર આગચંપી કરવામાં આવી. આગ્રાના બિહિયા રેલવે સ્ટેશન પર પ્રદર્શનકારીઓએ સ્ટેશન પર લૂટફાટ મચાવી. ટિકિટ કાઉન્ટરમાંથી 3 લાખની મત્તા લઇને ફરાર થઇ ગયા.
આ સાથે સાથે તેલંગાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે સંપત્તિને નુકશાન નહીં પહોંચાડવાની અપીલ કરી. તેમણે કહ્યું કે રેલવે આપની અને રાષ્ટ્રની સંપત્તિ છે, જેને નુકસાન ન પહોંચાડવું જોઇએ.
રક્ષામંત્રી રાજનાથસિંહે પણ પ્રદર્શનકારીઓને અપીલ કરતા કહ્યું કે બે વર્ષથી સેનામાં ભર્તી થવાની તક નથી મળી શકી. જેના પગલે ભર્તી પ્રક્રિયા રોકાયેલી છે. જેનો વિચાર કરીને સેનાએ અગ્નિવીરોની ભર્તી કરવાનો નિર્ણય લીધો છે, અને ઉંમર મર્યાદા પણ વધારી દીધી છે, યુવાનો હિંસા કરવાથી દૂર રહે.
કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે અપર એજ લિમિટ 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવાની જાહેરાત કરી દીધી છે. જોકે આ છૂટ માત્ર આ વર્ષે જ લાગુ રહેશે. રક્ષમંત્રાલય અનુસાર છેલ્લા બે વર્ષમાં કોઇ ભર્તી નહીં થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગ્નિવીર બનવાની નિર્ધારિત ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષની છે, જેમાં છૂટ આપવામાં આવી છે.
સરકારે આ વર્ષે ઉંમરમાં વિશેષ છૂટ આપવાનો નિર્ણય કર્યો છે, તેમ છતાં શા માટે વિરોધ થઇ રહ્યો છે ? , શા માટે ટ્રેનો સળગાવવામાં આવી રહી છે ? શા માટે વાહનો આગને હવાલે કરવામાં આવી રહ્યા છે ? શું આ વિરોધ કોઇ ષડયંત્રનો ભાગ તો નથી ને ? કે પછી આ યુવાનોને કોઇ ગેરમાર્ગે દોરી રહ્યું છે.
અગ્નિપથના વિરોધની આગની વચ્ચે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ તમામ રાજ્યોને એલર્ટ કરીને નિર્દેશ આપવામાં આવ્યા છે કે સોશિયલ મીડિયા દ્વારા અફવા ફેલાવીને હિંસા ફેલાવવાનું આ ષડયંત્ર છે, જેને પગલે જરૂરી તમામ તૈયારીઓ રાખવામાં આવે, જેથી હિંસાનો માહોલ ન સર્જાય અને અશાંતિ ન ફેલાય.
શું છે અગ્નિપથ યોજના ?
અગ્નિપથ યોજનાની વાત કરીએ તો સેનામાં પહેલીવાર આવી કોઇ યોજના લોન્ચ કરવામાં આવી છે. જેમાં શોર્ટ ટર્મ માટે સૈનિકોની ભર્તી કરવામાં આવશે. આ યોજના હેઠળ દર વર્ષે લગભગ 40થી50 હજાર યુવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે. ભરતી માટે યુવાનોની ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષની હોવી જરૂરી છે. આ ચાર વર્ષોમાં સૈનિકોને 6 મહિનાની બેસિક મિલિટ્રી ટ્રેઇનિંગ આપવામાં આવશે, જેમને પહેલા વર્ષે 30 હજાર, બીજા વર્ષે 33 હજાર, ત્રીજા વર્ષે 36500 અને ચોથા વર્ષે 40 હજાર માસિક વેતન આપવામાં આવશે. સેવા સમાપ્ત થયા બાદ 25 ટકા સક્ષમ અગ્નિવીરોને કાયમી કેડરમાં ભર્તી કરવામાં આવશે. અને 75 ટકા અગ્નિવીરો છૂટા કરવામાં આવશે. અને આ છેલ્લા પોઇન્ટ પર જ ઉમેદવારો હાલ દેશભરમાં પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. જોકે સેના પાસે તેનો પણ જવાબ છે કે, ચાર વર્ષની ટ્રેનિંગ પછી તેઓ પોલીસ અને પેરામિલિટ્રી જેવી સેવામાં સહેલાઇથી જોડાઇ શકે છે.
- શું છે ભ્રમણા?
અગ્નિવીરને નોકરી નહીં મળશે
અગ્નિવીરને લીધે નોકરી ઓછી મળશે
પહેલા કરતા ઓછા યુથને મળશે નોકરી
રેજિમેન્ટને લઇને કોઇ લાગણી નહી
શોર્ટ ટર્મ સૈનિકથી સેના નબળી થશે
સેનામાં અગ્નિવીરોનો રાફડો - શું છે વાસ્તવિકતા ?
પોલીસ અને પેરામિલિટ્રીમાં મળશે નોકરી
સેનામાં નોકરીઓ વધશે
પહેલા કરતા ત્રણ ગણી નોકરી મળશે
રેજિમેન્ટની સિસ્ટમ નહીં બદલાય
સૈનિકોની સરેરાશ ઉંમર ઘટશે
પહેલા વર્ષે માત્ર 3 ટકા જ હશે