ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા SSC Result જાહેર કરી દેવાયું છે. આ વર્ષે ધોરણ 10નું પરિણામ 82.56 ટકા નોંધાયું છે. ધોરણ-10માં 100 ટકા પરિણામ ધરાવતા બે કેન્દ્રો છે. જેમાં અમદાવાદ ગ્રામ્યનું દાલોદ કેન્દ્ર પર 100 ટકા પરિણામ અને ભાવનગર જિલ્લાનું તલગાજરડા કેન્દ્ર પર 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર ભાવનગરનું તડ કેન્દ્ર બન્યું છે. તડ કેન્દ્ર પર 41.13 ટકા પરિણામ નોંધાયું છે. ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક રિઝલ્ટ આવ્યું છે.
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર
રાજ્યમાં SSC Result જાહેર થયા બાદ સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર બન્યો છે. વિગતો મુજબ ગાંધીનગર જિલ્લાનું પરિણામ 87.22 ટકા નોંધાયું છે. આ સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર બન્યો છે. પોરબંદર જિલ્લાનું પરિણામ 74.57 ટકા આવ્યું છે. રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1389 તો 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 264 હોવાનું સામે આવ્યું છે.
GSEBના ચેરમેન બંછાનિધિ પાની કહ્યું, “ગાંધીનગર જિલ્લાએ શ્રેષ્ઠ પરિણામો નોંધ્યા છે, ત્યારબાદ સુરત, મહેસાણા અને બનાસકાંઠા આવે છે. પોરબંદર જિલ્લામાં સૌથી ઓછી ટકાવારી નોંધાઈ છે. મને લાગે છે કે આ ખૂબ સારા પરિણામ છે. આનાથી ડ્રોપઆઉટ રેશિયો નીચે જશે. ધીમે ધીમે, કુલ નોંધણી દર વધશે અને વિદ્યાર્થીઓ તેમના કૌશલ્ય આધારિત માર્ગો પર જશે.”
SSC Result માં વિદ્યાર્થીનીઓ અવ્વલ
રાજ્યમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 86.69 ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ 79.12 ટકા નોંધાયું છે. જેમાં A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 23,247, A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 78,893, B1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 1,18,710, B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 1,43,894, C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 1,34,432, C2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 72,252 અને D ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 6,110 હોવાનુ સામે આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Lok Sabha Election: વલસાડમાં સૌથી વધુ 72.71 ટકા મતદાન