Chandrayaan-3ને ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડ કરાવીને ભારતીય સ્પેસ રિસર્ચ સેન્ટર(ISRO)એ આખા વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો. આખુ જગત આ જોઇને ચોંકી ઉઠ્યું હતું. હજુ તો વિશ્વ આખુ ભારતની પ્રશંસા કરવામાં વ્યસ્ત હતું, ત્યાંતો માત્ર 12 દિવસના નજીવા અંતરાલમાં જ ISROએ સૂર્યયાન એટલે કે ADITYA L1નું સફળ લોન્ચિંગ કરી દીધું છે. આજે 2 સપ્ટેમ્બરના શનિવારના રોજ બપોરે બરોબર 11.50 કલાકે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી ઇસરોએ આદિત્ય-L1નું સફળ લોન્ચિંગ કરી દીધું છે. આદિત્ય-L1 ઘણી લાંબી મજલ કાપીને છેક સૂર્યની નજીક નિર્ધારિત પોઇન્ટ પર પહોંચશે અને સૂર્યની ઘણી જાણ્યા અજાણ્યા રહસ્યો પરથી પરદો ઉચકશે.
ADITYA-L1 125 દિવસ બાદ તેના નિર્ધારિત ગંતવ્ય પોઇન્ટ પર પહોંચશે. ઈસરોની આ વધુ એક સફળતા પર આખો દેશ તો રાજીનો રેડ છે જ, પરંતુ વિશ્વ ફલકે પણ તેની વાહવાહી થઇ રહી છે. એટલું જ નહીં ખૂદ પાકિસ્તાની મીડિયા પણ ભારતની પ્રશંસા કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ISROની આખી ટીમને શુભેચ્છા પાઠવી છે.
આદિત્ય-L1 16 દિવસ સુધી પૃથ્વિના ચક્કર લગાવશે, ત્યાર પછીના 110 દિવસમાં તે 15 લાખ કિમીનું અંતર કાપીને L1 પોઇન્ટ પર પહોંચશે. થ્રસ્ટર દ્વારા આદિત્યને L-1 બિંદુમાં દાખલ કરાશે. આ બિંદુ એવું છે જ્યાં પૃથ્વિ અને સૂર્યના ગુરૂત્વાકર્ષણબળનો પ્રભાવ નથી હોતો જ્યાં આદિત્ય મુક્તપણે સ્થિર થઇ શકશે અને સૂર્યના અનેક રહસ્યો નજીકથી જોઇને ઇસરોની ટીમને અવગત કરાવશે.