Friday, 14 Mar, 2025
spot_img
Friday, 14 Mar, 2025
HomeTOP STORIESડોનથી નેતા અને નેતાથી જેલ, જાણો અતિક અહેમદની સંપૂર્ણ કરમકૂંડળી

ડોનથી નેતા અને નેતાથી જેલ, જાણો અતિક અહેમદની સંપૂર્ણ કરમકૂંડળી

કેવી રીતે એક ડોન સત્તાની ખુરશી સુધી પહોંચ્યો ? સત્તામાં રહીને તેણે કેવા કાળા કારનામા કર્યા ? તેની પર શું આરોપો છે, તેની સામે કેવા ગુના નોંધાયેલા છે? જાણીએ ડોન અતિકની સંપૂર્ણ કરમકુંડળી...

Share:

યુપીમાં અતિક અહેમદની આગળ બાહુબલી શબ્દ લગાડવામાં આવે છે અને 17 વર્ષની ઉંમરે જ તેના પર મર્ડરનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આવો, જાણીએ કે યુપીનો આ બાહુબલી અતિક અહેમદ કોણ છે અને તેને કેમ 2019થી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કરવામાં આવ્યો છે.તેની સામે પ્રયાગરાજમાં ખંડણી સહિતના કેસ દાખલ છે અને પ્રયાગરાજની કોર્ટના આદેશ પર ઉત્તરપ્રદેશની પોલીસ તેને અમદાવાદની સાબરમતી જેલમાંથી લઇ ગઇ છે.

દેશના રાજકારણમાં ઘણા લોકો એવા છે, જે ખૂબ નાની અથવા માફિયાની દુનિયામાંથી નીકળીને આવ્યા હોય. અમુક લોકોએ નેતા બન્યા પછી તેમની છબિ સુધારી લીધી છે, પરંતુ યુપીના રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અતિક અહેમદે તેની છબિ સાથે કોઈ સમજૂતી કરી નથી. તે ત્રણ દશકા પહેલાં જેવો હતો તેવો જ આજે છે. તે માથા પર સફેદ રૂમાલની પાઘડી પહેરે છે અને આજે પણ તેના નામની આગળ બાહુબલીનું ઉપનામ લાગે છે.

અતિક અહેમદનો જન્મ 10 ઓગસ્ટ 1962માં શ્રાવસ્તી જનપદમાં થયો હતો. અભ્યાસમાં તેને કોઈ ખાસ રસ નહોતો, તેથી તેણે હાઈસ્કૂલમાં નપાસ થયા પછી અભ્યાસ છોડી દીધો હતો. ઘણા માફિયાઓની જેમ અતિક પણ ગુનાહિત દુનિયામાંથી રાજકારણમાં આવ્યો છે. પૂર્વાંચલ અને અલાહાબાદમાં ખંડણી, અપહરણ જેવા ઘણા કેસમાં તેનું નામ આવ્યું છે. 1979માં માત્ર 17 વર્ષની ઉંમરે અતિક અહેમદ પર મર્ડરનો આરોપ લાગ્યો હતો. અત્યારે હાલ નાની-મોટી થઈને તેની સામે 196 ફરિયાદ કરવામાં આવી છે. તેની સામે ઉત્તરપ્રદેશના લખનઉ, કૌશામ્બી, ચિત્રકૂટ, અલાહાબાદમાં જ નહીં, પરંતુ બિહારમાં પણ મર્ડર, અપહરણ, જબરદસ્તી વસૂલી જેવા કેસ નોંધાયેલા છે. તેની વિરુદ્ધમાં સૌથી વધુ અલાહાબાદ એટલે કે પ્રયાગરાજમાં કેસ નોંધાયેલા છે. કાનપુરમાં પણ તેની સામે પાંચ કેસ નોંધાયેલા હતા, જેમાંથી તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

સંસદમાં અતિક અહેમદ

ગુનાની દુનિયામાં નામ કમાઈ ચૂકેલા અતિકને સમજાઈ ગયું હતું કે સત્તાની તાકાત કેટલી મહત્ત્વની હોય છે. તેથી તેણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું. વર્ષ 1989માં તે પહેલીવાર અલાહાબાદ વિધાનસભા સીટથી ધારાસભ્ય બનેલો. તેણે 1991 અને 1993માં અપક્ષમાં રહીને ચૂંટણી લડી અને ધારાસભ્ય પણ બન્યો. 1996માં આ જ સીટ પર તેને સમાજવાદી પાર્ટીએ ટિકિટ આપી અને તે ફરી ધારાસભ્ય બન્યો. અતિક અહેમદ 1999માં અપના દળ પાર્ટીમાં જોડાયો. તે પ્રતાપગઢથી ચૂંટણી લડ્યો અને હારી ગયો. તે 2002માં આ જ પાર્ટીમાંથી ફરી ધારાસભ્ય બન્યો. 2003માં જ્યારે યુપીમાં સરકાર બની ત્યારે અતિકે ફરી મુલાયમ સિંહનો હાથ પકડ્યો. 2004ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેને ફૂલપુર સંસદીય વિસ્તારમાંથી ટિકિટ આપી અને તે ત્યાંનો સાંસદ બન્યો. ઉત્તરપ્રદેશની સત્તા મે 2007માં માયાવતીના હાથમાં આવી ગઈ. તેના બધા નિર્ણયો ખોટા પડવા લાગ્યા. તેની સામે એક પછી એક કેસ નોંધાવા લાગ્યા હતા.

અતિક અહેમદનું વધુ એક રહસ્ય પણ ઘણું રસપ્રદ છે. તેણે ચૂંટણી દરમિયાન ફંડ ક્યારેય ફોન કરીને કે કોઈને ડરાવી-ધમકાવીને નથી લીધું, પરંતુ શહેરના પોશ વિસ્તારમાં બેનર લગાવે છે અને એમાં લખ્યું હોય છે કે તમારો પ્રતિનિધિ તમારી પાસેથી સહયોગની અપેક્ષા રાખે છે. મત આપો અને ગરીબને જિતાડો. બેનરમાં લખેલા શબ્દો વાંચીને લોકો અતિકના ઘરે ફંડ મોકલાવી દેતા. એટલું જ નહીં, તે તેના ખાસ માણસને મેસેજ આપવા માગતો હોય તો તે વિવિધ ન્યૂઝ પેપરમાં જાહેરાત આપતો હતો, જેમાં લખ્યું હોય કે શું કરવું છે અને શું નથી કરવાનું.

તે 2004માં વિધાનસભા ચૂંટણીમાં ફૂલપુરથી સપાની ટિકિટ પર સાંસદ બની ગયો હતો. એ સિવાય અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા સીટ ખાલી થઈ ગઈ હતી. સીટ પર પેટાચૂંટણી થઈ, સપાએ અતિકના નાના ભાઈ અશરફને ટિકિટ આપી હતી, પરંતુ તેનો ડાબો હાથ કહેવાતા બસપાએ તેની સામે રાજુ પાલને ઊભો કરી દીધો હતો. રાજુએ અશરફને હરાવી દીધો. પેટાચૂંટણીમાં જીત નોંધાવીને પહેલીવાર ધારાસભ્ય બનેલા રાજુ પાલની અમુક મહિનાઓ પછી 25 જાન્યુઆરી 2005માં ધોળા દિવસે ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી. આ હત્યાકાંડમાં સીધી રીતે સાંસદ અતિક અહેમદ અને તેના ભાઈ અશરફને આરોપી બનાવવામાં આવ્યા હતા.

બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યામાં નામજોગ આરોપી થયા પછી પણ અતિક સાંસદ તરીકે કાર્યરત હતો. એને કારણે ચારેય બાજુ તેની ઘણી નિંદા થઈ હતી અને અંતે મુલાયમ સિંહે ડિસેમ્બર 2007માં બાહુબલી સાંસદ અતિક અહમદને પાર્ટીમાંથી બહાર કાઢી નાખ્યો હતો. અતિકે રાજુ પાલ હત્યાકાંડના સાક્ષીઓને ડરાવવા-ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મુલાયમ સિંહની સત્તા જવાના કારણે અને માયાવતીની સત્તા આવવાને કારણે તે સફળ ના થઈ શક્યો. ધરપકડના ડરને કારણે તે ભાગતો ફરતો હતો. તેના ઘર, કાર્યાલય સહિત પાંચ જગ્યાની સંપત્તિ કોર્ટના આદેશ પછી જપ્ત કરી લેવામાં આવી હતી. તેની ધરપકડ પર પોલીસે 20 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સાંસદ અતિકની ધરપકડ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ માયાવતીના ડરના કારણે તેણે દિલ્હીમાં સરન્ડર કરવાનું વિચાર્યું.

માયાવતી સત્તામાં આવતાં અતિકની હાલત ખરાબ થવા લાગી. પોલીસ વિકાસ પ્રાધીકરણના અધિકારીઓએ તેની ખાસ અલીના સિટીને ગેરકાયદે જાહેર કરીને બાંધકામ તોડી પાડ્યું. ઓપરેશન અતિક અંતર્ગત જ 5 જુલાઈ 2007ના રોજ રાજુ પાલ હત્યાકાંડના સાક્ષી ફમેશ પાલે તેની સામે ધુમનગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને જબરદસ્તી નિવેદન અપાવવા મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી અન્ય ચાર સાક્ષી તરફથી પણ તેની સામે ફરિયાદ નોંધવવામાં આવી હતી. બે મહિનાની અંદર જ અતિક અહેમદ સામે અલાહાબાદ (પ્રયાગરાજ)માં 9 કૌશામ્બી અને ચિત્રકૂટમાં એક-એક કેસ નોંધવામાં આવ્યો હતો.

ત્યારબાદ 19 માર્ચ 2017માં યુપીમાં યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા ત્યારે તે બે વર્ષ સપામાં ધારાસભ્ય રહ્યો હતો. 26 ડિસેમ્બર 2018માં યુપીના મોટા વેપારી મોહિત જયસ્વાલને અતિકના માણસોએ ધમકી આપી હતી અને તેનો બધો બિઝનેસ અતિક અહેમદના નામે ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. મોહિત જયસ્વાલે ડર્યા વગર અતિક સામે કેસ કર્યો. ત્યારપછી તેને દેવરિયા જેલમાંથી બરેલી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અંતે, આ કેસની સુનાવણી પહેલાં હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે આ સુનાવણી સીબીઆઈને સોંપી દીધી અને અતિકને યુપીની બહાર અમદાવાદની સાબરમતી જેલમાં હાઈ સિક્યોરિટીમાં રાખવા માટેનો આદેશ આપ્યો હતો. એ સાથે જ દેવરિયા જેલના 5 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.


Share:
RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments