કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તર-પૂર્વના રાજયોને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર-પૂર્વના રાજયોની માંગ લાંબા સમયથી ચાલી રહેલી માગને આખરે કેન્દ્ર સરકાર દ્વારા સ્વિકારવામાં આવી છે.
કેન્દ્ર સરકારે પૂર્વોત્તર રાજ્યોને ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભરતા આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાંથી આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ એટલે કે AFSPAનો વિસ્તારમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ વિશેષ કાયદો હવે આ રાજ્યોના અમુક વિસ્તારો પૂરતો મર્યાદિત રહેશે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાંથી આ કાયદાને હટાવવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે.
જો કે, તેને સંપૂર્ણપણે દૂર કરવાને બદલે, કેન્દ્રએ તેને કેટલાક અશાંત વિસ્તારો સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય ઉત્તર-પૂર્વના રાજ્યોમાં શાંતિ અને સમૃદ્ધિના નવા યુગની શરૂઆત કરશે જે દાયકાઓથી ઉપેક્ષા અનુભવી રહ્યા છે.
આફ્સપાના મુદ્દે ઉત્તર-પૂર્વના રાજયોમાં વારંવાર વિરોધ ઉઠતો રહ્યો છે એટલું જ નહીં કેટલાક રાજ્યોમાં તો આ મુદ્દાને રાજકીય મુદ્દો પણ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે કેન્દ્ર સરકારે AFSPAનો વિસ્તારમાં ઘટાડો કરતા એક સાથે ઘણા મુદ્દે રાહત અનુભવાશે.